Jharkhand Train Accident : રેલવે ટ્રેક પર ફરી એકવાર મોતનું તાંડવ જોવા મળ્યું છે. હાવડા-મુંબઈ મેલ મંગળવારની વહેલી સવારે બારાબામ્બુ સ્ટેશન નજીક માલગાડી સાથે અથડાઈ હતી અને તેના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ભયાનક રીતે 14 વર્ષ પહેલા બનેલી ‘જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ’ દુર્ઘટનાની યાદ અપાવે છે, જેમાં 148 થી વધુ લોકોના જીવ ગયા હતા.
અધિકારીઓએ માહિતી આપી કે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ રેલવે (SER) ના ચક્રધરપુર વિભાગ હેઠળ જમશેદપુરથી લગભગ 80 કિમી દૂર બારામ્બુ નજીક સવારે 3.45 વાગ્યે અકસ્માત થયો હતો. એસઇઆરના પ્રવક્તા ઓમ પ્રકાશ ચરણે જણાવ્યું હતું કે નજીકમાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના અહેવાલ પણ છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બંને અકસ્માત એક સાથે થયા હતા કે કેમ.
દુર્ઘટના સ્થળે હાજર રહેલા પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર કુલદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘હાવડા-મુંબઈ મેઈલના 18 ડબ્બા બારાબામ્બુ નજીક પાટા પરથી ઉતરી ગયા હતા, પરિણામે બે લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દુર્ઘટના સ્થળ પશ્ચિમ સિંઘભૂમ અને સરાઈકેલા-ખારસાવાન જિલ્લાની સરહદ નજીક છે.
“સવારે 3.45 વાગ્યે, SER ના ચક્રધરપુર ડિવિઝન હેઠળના બડાબમ્બુ રેલ્વે સ્ટેશન નજીક 22 કોચવાળા મુંબઈ-હાવડા મેલના ઓછામાં ઓછા 18 કોચ પાટા પરથી ઉતરી ગયા,” SER પ્રવક્તાએ જણાવ્યું હતું. આ કોચમાં 16 પેસેન્જર કોચ, એક પાવર કાર અને એક પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે. SERના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને બારાબામ્બુમાં તબીબી સહાય આપ્યા બાદ સારી સારવાર માટે ચક્રધરપુર લઈ જવામાં આવી રહ્યા છે.’
અધિકારીના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે ટ્રેન સોમવારે રાત્રે હાવડાથી નીકળી હતી અને મંગળવારે વહેલી સવારે બડાબમ્બુ રેલ્વે સ્ટેશન નજીક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન દુર્ઘટના સેરાઈકેલા-ખારસાવાન જિલ્લાના ખારસાવાન બ્લોકમાં પોટોબેડા ખાતે થઈ હતી. તેમણે કહ્યું, ‘અકસ્માતમાં મુંબઈ-હાવડા મેલ અને એક માલસામાન ટ્રેન સામેલ હતી. અધિકારીઓ અસરગ્રસ્ત મુસાફરોની સંખ્યા શોધી રહ્યા છે.