KKR સામેની મેચમાં જસપ્રીત બુમરાહે મચાવ્યો તરખાટ, પત્નીએ પુષ્પા સ્ટાઇલમાં કહ્યું, “મારો પતિ ફાયર છે !” જુઓ

IPLના પ્લેઓફમાં પહોંચવા માટેની રેસ હવે છેલ્લા પડાવમાં આવી ગઈ છે અને દરેક ટીમ મેદાનની અંદર પરસેવો વહાવી રહી છે, હવેની દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બની રહી છે, ત્યારે ગઈકાલે કોલકાત્તા અને મુંબઈ વચ્ચે પણ એક શાનદાર મેચ રમાઈ હતી. જો કે મુંબઈ લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે છતાં પણ ગઈકાલની મેચમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ જેણે 2013માં આઈપીએલની શરૂઆત કરી હતી, પરંતુ તેણે હજુ સુધી એક મેચમાં પાંચ વિકેટ લીધી નહોતી, પરંતુ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેનું સપનું સાકાર થયું. DY પાટિલ સ્ટેડિયમમાં સોમવારે સાંજે બુમરાહે KKRના બેટ્સમેનોમાં તરખાટ મચાવી દીધો.

જસપ્રીત બુમરાહે મેચમાં 4 ઓવરમાં માત્ર 10 રન આપીને એક-બે નહીં પરંતુ પાંચ વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સ ભલે આઈપીએલ 2022ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ બુમરાહના પ્રદર્શનના હવે બધા વખાણ કરી રહ્યા છે. ‘બૂમ-બૂમ’ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહી છે, જ્યારે તેની પત્ની સંજના ગણેશને પણ પતિના આ શ્રેષ્ઠ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે.

મેચ દરમિયાન સંજના સ્ટેડિયમમાં બેસીને તેના પતિને ચીયર કરી રહી હતી. જ્યારે બુમરાહે સુનીલ નારાયણને આઉટ કરીને IPLના ઈતિહાસમાં પ્રથમ વખત તેની 5 વિકેટ પૂરી કરી, ત્યારે સંજનાની ખુશીનો પાર ન રહ્યો અને તે ઊભી થઈ અને બુમરાહને ચીયર કરવા લાગી. બુમરાહે પોતાનો પંજો ખોલ્યા પછી, સંજનાએ સોશિયલ મીડિયા પર તેના પતિના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને ફાયર કહ્યો. તેણે બુમરાહ માટે ટ્વીટ કર્યું અને લખ્યું, ‘મારો પતિ ફાયર છે’ સંજનાએ તેની સાથે આગનું ઈમોજી પણ શેર કર્યું છે.

બુમરાહે અગાઉ 2020માં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જ્યારે તેણે દિલ્હી કેપિટલ્સ સામે 14 રન આપીને 4 અને રાજસ્થાન રોયલ્સ સામે 20 રનમાં 4 વિકેટ લીધી હતી. આ રીતે હવે IPLમાં જસપ્રીત બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રનમાં 5 વિકેટ બની ગયું છે. આ મેચમાં તેણે પોતાની ત્રીજી ઓવરમાં મેડન ફેંકી હતી જ્યારે છેલ્લી ઓવરમાં એક રન આપ્યો હતો.

Niraj Patel