મારી ભૂલ હતી…રવિન્દ્ર જાડેજા માંગી માફી, સરફરાઝ ખાનને રનઆઉટ કરાવ્યા બાદ જતાવ્યો અફસોસ, સરફરાઝે જાડેજા માટે કહી દીધુ આવું…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 325 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી રોહિત શર્માએ 131 રન અને રવિન્દ્ર જાડેજાએ 110 રનની અણનમ સદી ફટકારી હતી. આ સિવાય નવોદિત સરફરાઝ ખાને 62 રનની ઇનિંગ રમી હતી. રવીન્દ્ર જાડેજાની ભૂલને કારણે સરફરાઝ ખાન રનઆઉટ થયો હતો. ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સરફરાઝ ખાનને મેચ બાદ રન આઉટને બદલે માફી માંગી હતી. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે તેને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ માગી માફી
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સરફરાઝ ખાનને રાજકોટ ટેસ્ટના પહેલા દિવસે રન આઉટ કરાવા બદલ માફી માંગી. પહેલા દિવસની રમત પૂરી થયા બાદ જાડેજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી અને લખ્યું કે મને સરફરાઝ ખાન માટે ખરાબ લાગે છે, હું સ્વીકારું છું કે તે મારો ખોટો કોલ હતો. ખૂબ સરસ રમ્યો સરફરાઝ. જાડેજાએ આ સાથે હાથ ફોલ્ડ ઇમોજી પણ મૂક્યુ હતુ. જાડેજાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તેને પોતાની ભૂલનો અહેસાસ છે અને તેણે આખી દુનિયાની સામે તેનો સ્વીકાર કર્યો.
3 વર્ષના સંઘર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવાની સુવર્ણ તક મળી
મુંબઈના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાનને ત્રણ વર્ષના સંઘર્ષ બાદ ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવાની સુવર્ણ તક મળી. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ 11 દરમિયાન જ્યારે તેનું નામ લેવામાં આવ્યું ત્યારે ચાહકોની ખુશીની કોઇ સીમા નહોતી. સરફરાઝની પત્ની અને તેના પિતા આ ખાસ દિવસને વધારે ખાસ અને યાદગાર બનાવવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. સરફરાઝ ખાનને ડેબ્યૂ કેપ મળતા જ પિતાને ગળે લગાવ્યા અને આ દરમિયાન પિતા અને તેની પત્ની રોમાના ભાવુક જોવા મળ્યા હતા.
સરફરાઝ ખાને 62 રનની ઇનિંગ રમી
પોતાની ડેબ્યૂ મેચને ખાસ અને યાદગાર બનાવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરેલા સરફરાઝે બેટથી અજાયબી કરી બતાવી. તેણે 62 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે આ ઇનિંગને સદીમાં બદલી શક્યો નહોતો. જાડેજાની ભૂલને કારણે તે રન આઉટ થયો હતો.ઈનિંગની 82મી ઓવર દરમિયાન જ્યારે જાડેજા તેની સદીની નજીક હતો ત્યારે જેમ્સ એન્ડરસનના પાંચમા બોલ પર જાડેજાએ મિડ-ઓન તરફ શોટ રમ્યો હતો અને રન માટે દોડ્યો હતો. માર્ક વુડના હાથમાં બોલ જોઈને જાડેજા વાપસી કરવા લાગ્યો હતો.
સરફરાઝે કહ્યુ જાડેજા વિશે આવું
જોકે, ત્યાં સુધીમાં સરફરાઝ ખાને અડધી ક્રિઝ વટાવી દીધી હતી અને વુડે અટવાયેલો થ્રો ફેંકીને સરફરાઝને આઉટ કરવાની તક ગુમાવી ન હતી. ત્યારે આ વિશે સરફરાઝે કહ્યું, ક્યારેક ગેરસમજ થાય છે અને તે રમતનો એક ભાગ છે. કેટલીકવાર તમે રન આઉટ થઈ જાઓ છો અને આવી વસ્તુઓ બનતી રહે છે. જાડેજાએ આખી ઇનિંગ દરમિયાન ઘણી મદદ કરી. હું થોડો નર્વસ હતો, લંચ દરમિયાન મેં તેની સાથે વાત કરી. હું એક એવો બેટ્સમેન છું કે જ્યારે હું બેટિંગ કરું છું ત્યારે શું ચાલી રહ્યું છે તેના વિશે વાત કરવાનું પસંદ કરે છે. તેથી મેં જાડેજાને કહ્યું કે જ્યારે હું બેટિંગ કરું ત્યારે મારી સાથે વાત કરવાનું ચાલુ રાખો. તેણે મને ખૂબ સપોર્ટ કર્યો.