ખબર

‘આપણું યાન ચંદ્ર પર ભટકી ગયું છે!’ જાહેરાત કરતા જ ઇસરો પ્રમુખના ગળે ડૂમો ભરાઈ ગયો! જાણો વિગત

ગિરતે હૈ શાહસવાર હી મેદાન-એ-જંગ મેં;
વો તિફ્લ ક્યાં ગિરેગા જો ઘૂટનો કે બલ ચલે!
મિર્ઝા બેગનો આ શેર આજે ભારતીય અવકાશી અનુસંધાન – ઇસરોના જાંબાજ વૈજ્ઞાનિકોને જ ટાર્ગેટ કરીને કહેવામાં આવે એ ઉચિત છે.

૨૨ જુલાઈએ લોન્ચ થયેલું ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ આજે ૭ સપ્ટેમ્બરના રોજ રાત્રીના બે વાગ્યાની થોડી ક્ષણો પહેલા ચંદ્રની ધરતી પર ઉતરીને ઇતિહાસ સર્જવાનું જ હતું. એ પણ વિષમ માળખું ધરાવતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરને ઉતારવાનું હતું કે જ્યાં જવાની હાલ સુધી વિશ્વના કોઈ દેશે હામ ભીડી નથી!

ભાંગતી રાતના મઝરે બેંગ્લોરમાં આવેલાં ઇસરોના કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકો હાજર હતા. સતત લાઇવ પ્રસારણ આપવામાં આવી રહ્યું હતું. વિક્રમ લેન્ડર સાથે ઇસરો સતત સંપર્કમાં હતું. ડેટા કોમ્પ્યુટરની સ્ક્રિન પર ચમકતા હતા અને ઉત્તેજનામાં વધારો થતો હતો. દેમાર ગતિથી સપાટી તરફ ધસતા લેન્ડરનો વેગ અત્યંત ધીમો પાડી દેવામાં આવ્યો હતો. પેરાશૂટ જમીન પર ઉતરે એમ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતું હતું!

અને સંપર્ક તૂટ્યો! —

હવે ૬૯ સેકન્ડની વાર હતી. બસ, એક મિનિટની માથે ૯ સેકન્ડ અને ભારત ભૂમધ્ય રેખાની પેલે પાર અડીંગો જમાવનાર દેશ બનશે! પણ એ જ વખતે, ૧ વાગીને ૫૧ મિનિટે ઇસરોના વૈજ્ઞાનિકોનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો! કોમ્પ્યુટર સ્ક્રિન દેખાડવામાં આવતા આંકડા ચોંટી ગયા. હવે લેન્ડર બેલગામ થઈ ગયું. કહો, કે વિક્રમ લેન્ડર અને તેની ભીતર રહેલું પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ખોવાઈ ગયાં! મિશન અસફળ રહ્યું!

ઇસરોના મુખ્યાલયનું વાતાવરણ —

જેવો સંપર્ક તૂટ્યો એટલે ઇસરોના મહેનતુ અને આશાવાદી વૈજ્ઞાનિકો ચકિત થઈ ગયા. ઇસરોના કેન્દ્રમાં સન્નાટો છવાઈ ગયો. દેશભરમાંથી લાખો લોકોની નજર અહીં મંડરાયેલી હતી. થોડી વાર લાઇવ પ્રસારણ પણ રોકી દેવાયું.

એ પછી ઇસરોના પ્રમુખ કે.સિવને ભાવુક હ્રદયે જાહેરાત કરી કે, ‘ચંદ્રની સપાટીથી ૨.૧ કિલોમીટરનું અંતર હતું અને અમે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક ગુમાવી દીધો.’

સંપર્ક તૂટ્યો, હોંસલો નહી! —

એ પછી નરેન્દ્ર મોદીએ પણ વૈજ્ઞાનિકોને જે કર્યું એ પણ શ્રેષ્ઠ જ છે એમ કહીને પીઠ થાબડી અને ઉન્નતિ બુલંદ રાખવા કહ્યું.

આમ પણ ઇસરો એ અત્યાર સુધી જે કર્યું છે જે એકલવ્ય જેવા કઠોર પરિશ્રમનું ઉદાહરણ છે. એક ગામને પાદર વેરાન એવા ચર્ચમાં શરૂ થયેલ ઇસરો વિશે કોઈને કલ્પના પણ નહોતી કે એ એક દિવસ અમેરિકા,ચીન અને રશિયા જેવી મહાસત્તાઓને અવકાશક્ષેત્રમાં હંફાવશે! ૧૯૬૩માં ભારતે તેનું પહેલું રોકેટ અપાચે નાઇક લોન્ચ કર્યું ત્યારે એના સ્પેરપાર્ટ વૈજ્ઞાનિકો સાઇકલના કેરિયરમાં લઈને મુખ્યમથકે આવતા! વિશ્વના અનેક દેશોએ ઇસરોની હાંસી ઉડાવેલી અને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ના ભણી દીધેલી એ બધા આજે ઇસરોના રોકેટોથી પોતાના ઉપગ્રહો અવકાશમાં મોકલી રહ્યા છે.

અસફળતા તો શિખવા માટેનું શ્રેષ્ઠ પગથિયું છે. ઇસરોની અસફળતા એ હાલ તો એક મહારથીની અસફળતા જેવી છે. મહારથી તો ધૂળ ખંખેરીને બેઠો થવાનો જ! શી ખબર એવું કદાચ બને કે ફરીવાર વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થપાય જાય! (જો કે, એવી આશા રાખવી બહુધા વ્યર્થ છે પણ આશા તો રાખી જ શકાય!)

મંઝિલ મિલ હી જાયેગી ભટકતે હી સહી,
ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલે હી નહી!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks