ભારતની જેમ ઇરાને પણ પાકિસ્તાનમાં ઘુસી કરી સર્જિકલ સ્ટ્રાઇક, જૈશ અલ અદલ સમૂહના બે ઠેકાણાને બનાવાયા નિશાન

ઇરાને પાકિસ્તાન પર છોડી મિસાઇલો, બલૂચી આતંકી ગ્રુપને બનાવાયુ નિશાન, ભડકેલા PAKએ આપી ચેતવણી

પાકિસ્તાનમાં ઇરાનની એરસ્ટ્રાઇક : બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન પર મિસાઇલ-ડ્રોનથી હુમલો, PAK બોલ્યુ- 2 બાળકોના મોત, આના ગંભીર પરિણામ હશે…

પાકિસ્તાન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે. આ વખતે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. ઈરાને પાકિસ્તાનની અંદર આતંકી સંગઠન જૈશ-એ-અદલના ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. જૈશ-એ-અદલ એક સુન્ની આતંકવાદી જૂથ છે. ઈરાને હુમલા માટે ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ઈરાનનો દાવો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે પાકિસ્તાને આ હુમલાની નિંદા કરતા કહ્યું કે આ હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.

ઈરાનની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક

ઈરાનને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.પાકિસ્તાને આગળ કહ્યું- ઈરાનનું આ પગલું વધુ પરેશાન કરનાર છે કારણ કે બંને દેશો વચ્ચે વાતચીતની ઘણી ચેનલો છે. અમે તેહરાનમાં ઈરાન સરકારનો સંપર્ક કર્યો છે અને તેમને અમારો અભિપ્રાય આપ્યો છે. ઈરાનના રાજદ્વારીને પણ બોલાવવામાં આવ્યા છે. હુમલા બાદ પાકિસ્તાને ઈરાનના મુખ્ય રાજદ્વારીને બોલાવીને એરસ્પેસના ઉલ્લંઘનની નિંદા કરી હતી. પાક વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારા એરસ્પેસના ઉલ્લંઘનના ગંભીર પરિણામો આવી શકે છે.

જૈશ-એ-અદલના ઠેકાણા પર હવાઈ હુમલા

સમાચાર અનુસાર, જૈશ-એ-અદલના આતંકવાદીઓએ સરહદ નજીક ઈરાની સેના પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઈરાને આ કાર્યવાહી કરી છે. મંગળવારે ઈરાની મીડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જૈશ-એ-અદલના ઠેકાણા પર હવાઈ હુમલા કરવાનો દાવો કર્યો છે. આ આતંકવાદી સંગઠને ઈરાનના સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. તેઓએ પાકિસ્તાન અને ઈરાનની સરહદ પર હુમલો કર્યો.

એસ.જયશંકરની મુલાકાતના બીજા દિવસે એક્શન

આ હુમલાનો બદલો લેતા ઈરાને આતંકી સંગઠનોને નિશાન બનાવ્યા છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનનો વિસ્તાર જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો તે ગ્રીન માઉન્ટેન તરીકે ઓળખાય છે. હાલમાં આ મામલે પાકિસ્તાન સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સોમવાર અને મંગળવારે ઈરાનમાં હતા અને તેમની મુલાકાત બાદ ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો, એટલે આ મુદ્દો વૈશ્વિક સ્તરે હાલ ચર્ચામાં છે.

પાકિસ્તાનને ઘણી વખત અપાઇ છે ચેતવણી

હુમલાનું કારણ જાણીએ તો, પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે અને ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે. જો કે, પાકિસ્તાનનાં સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યાં છે અને આ ઉપરાંત બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે.આ મામલે ઈરાન સરકાર દ્વારા આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી પણ આપવામાં આવી હતી.

Shah Jina