હવે IPLમાં અમદાવાદની ટીમ પણ રમતી જોવા મળશે, રૂ. 5625 કરોડની લાગી બોલી

IPLની આગામી સિઝનમાં બે નવી ટીમો જોવા મળશે. આ ટીમો લખનૌ અને અમદાવાદની હશે. નવી IPL ટીમો માટે બિડિંગ પ્રક્રિયા સોમવારે દુબઈની તાજ હોટેલમાં શરૂ થઈ હતી. 22 રસ ધરાવતી પાર્ટીઓએ ટેન્ડરને શોર્ટલિસ્ટ કર્યું હતું અને 10 બિડ દસ્તાવેજો સબમિટ કર્યા હતા. નવી IPL ટીમો ખરીદવામાં સૌથી આગળ આરપી-સંજીવ ગોએન્કા, અદાણી ગ્રુપ, નવીન જિંદાલ, ઉદય કોટક અને ગ્લેઝર ફેમિલી (લાન્સર ગ્રુપ) હતા.

બિડિંગ પછી નવી IPL ફ્રેન્ચાઇઝી આખરે સંજીવ ગોએન્કાના RPSG ગ્રુપ અને ભૂતપૂર્વ F1 પ્રમોટર CVC કેપિટલ્સ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. RPSGને લખનૌ ફ્રેન્ચાઇઝી મળી છે, જ્યારે CVC કેપિટલ્સે અમદાવાદની ફ્રેન્ચાઇઝી મેળવીને અદાણી જૂથને ચોંકાવી દીધું છે.

સંજીવ ગોએન્કાની માલિકીની RPSG ગ્રૂપે 7,000 કરોડ રૂપિયાથી વધુની બિડ સાથે લખનૌ ફ્રેન્ચાઇઝીનો દાવો કર્યો હતો. ગ્રૂપે રૂ. 7090 કરોડની વિજયી બોલી સાથે લખનૌને તેના હોમ બેઝ તરીકે પસંદ કર્યું છે. CVC કેપિટલે રૂ. 5625 કરોડની બોલી સાથે અમદાવાદની પસંદગી કરી છે. આ બિડથી બીસીસીઆઈને બમ્પર કમાણી થઈ છે. નોંધનીય છે કે BCCI વિશ્વનું સૌથી શક્તિશાળી બોર્ડ છે.

કોણ છે સીવીસી કેપિટલ્સ ગ્રુપ જેમણે અમદાવાદની ટીમ ખરીદી:
તમને જણાવી દઈએ કે, CVC કેપિટલ્સ ગ્રુપ લંડનમા આવેલ લક્ઝમબર્ગ સ્થિત એક મોટી અને જાણીતી ઇન્વેસ્ટમેન્ટ પેઢી છે. આ કંપનીના ચેરમેનનું નામ સ્ટીવ કોલ્ટેસ છે. નોંધનિય છે કે, 80ના દાયકામાં સિટીબેંકની માલિકીની સિટી કોર્પના નિકળ્યા બાદ CVC પેઢીની શરૂઆત થઈ હતી. તેમણે સમગ્ર દૂનિયામાં અલગ અલગ ક્ષેત્રોમાં મોટું રોકાણ કર્યું છે. CVC મૂળભૂત રીતે એક ઇક્વિટી ફર્મ છે અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને બ્રોકરેજમાં ડીલ કરે છે.

તેના કાર્યક્ષેત્રની વાત કરીએ તો CVCના યુરોપ, એશિયા અને અમેરિકામાં ઓફિસો અને કર્મચારીઓ ધરાવે છે. રમત ગમતની વાત કરીએ તો તેણે ફોર્મ્યુલા વનમાં નોંધપાત્ર હિસ્સો ખરીદ્યો છે. આ ઉપરાંત જૂથે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં પણ સારુ રોકાણ કર્યું છે. હવે CVC એ અમદાવાદની ટીમ ખરીદી લીધી છે અને હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ કંપનીનું હોમ ગ્રાઉન્ડ બનશે.


આ અગાઉ 2 નવી આઈપીએલ ટીમો માટે બોલી શરૂ થઈ હતી. અગાઉ બિડ સબમીશન કરવામાં આવ્યું હતું. દુબઈમાં ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે BCCI ના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા. મોડી સાંજે, CVC કેપિટલને અમદાવાદ / સંજીવ ગોયન્કાના RPSG ગ્રુપ તરફથી લખનૌ ફ્રેન્ચાઇઝી મળી.

YC