લખનઉની મેચ જોવા માટે આવેલા સુનિલ શેટ્ટી અને તેમની દીકરી અથિયા શેટ્ટીને મળી નિરાશા, પહેલા જ બોલે કે.એલ. રાહુલ ક્લીન બોલ્ડ થતા બન્યા મીમ્સ

IPLનો રોમાન્ચ દિવસેને દિવસે જામી રહ્યો છે, આ વર્ષે મેદાનમાં ઉતરેલી 10 ટીમો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહી છે, એક તરફ મુંબઈ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપર કિંગ્સ જેવી દિગ્ગજ ટીમો હજુ 4 મેચ રમ્યા બાદ પણ પોતાનું ખાતું નથી ખોલાવી શકી ત્યાં આ વર્ષે જ મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ રસિયાઓના દિલ જીતી રહી છે.

ત્યારે ગઈકાલની મેચ પણ ખુબ જ રોમાંચક રહી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 165 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 36 બોલમાં અણનમ 59 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતો. આ સિવાય દેવદત્ત પડિકલે 29 અને રવિચંદ્રન અશ્વિને 28 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સ માટે જેસન હોલ્ડર અને કૃષ્ણપ્પા ગૌતમે બે-બે સફળતા હાંસલ કરી.

જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 8 વિકેટે 162 રન જ બનાવી શકી હતી અને તેને ત્રણ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 39 અને માર્કસ સ્ટોઈનિસે અણનમ 38 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર અને ટ્રેન્ટ બોલ્ટે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અને તેની દીકરી અથિયા શેટ્ટી પણ રાજસ્થાન સામેની મેચમાં લખનઉની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. જ્યારે કેએલ રાહુલ પ્રથમ બોલ પર બોલ્ડ આઉટ થયો ત્યારે બંનેના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.

કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે આ સિઝનમાં તેનો બીજો ગોલ્ડન ડક બનાવ્યો. ઈનિંગના પહેલા બોલ પર રાહુલને કિવિ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. અગાઉ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મોહમ્મદ શમીએ પણ રાહુલને પ્રથમ બોલ પર આઉટ કર્યો હતો.

આવી સ્થિતિમાં ટ્વિટર પર ચાહકોએ રાહુલને જોરદાર રીતે ટ્રોલ કર્યો હતો. અને તેના ઉપર ઘણા બધા મીમ્સ પણ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે અથિયા રાહુલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે. આવી સ્થિતિમાં રાહુલ શૂન્ય પર આઉટ થયા બાદ ટ્વિટર પર મીમ્સનું પૂર આવ્યું હતું. તો સ્ટેન્ડમાં બેઠેલા સુનિલ શેટ્ટી અને આથિયા શેટ્ટી પણ ખુબ જ નિરાશ જોવા મળ્યા હતા.

Niraj Patel