મુંબઈ ઇન્ડિયન્સની વધી મુશ્કેલીઓ, કપ્તાન રોહિત શર્મા ઉપર મંડરાઈ રહ્યો છે બૅન થવાનો ખતરો, ભરવો પડ્યો અધધધ લાખનો દંડ, જાણો કારણ

IPLનો રોમાંચ જામી રહ્યો છે પરંતુ મોટાભાગના લોકોની મનગમતી ટીમ મુંબઈ ઇન્ડિયન્સનું આ વખતે ખુબ જ ખરાબ પર્ફોમન્સ ચાલી રહ્યું છે, મુંબઈ ઇન્ડિયન્સ પોતાની પહેલી પાંચ મેચ હારી ચૂક્યું છે, ગઈકાલે પણ દર્શકો મુંબઈની જીત થાય તેવી આશા રાખીને બેસી રહ્યા હતા પરંતુ અંતે તો ચાહકોને નિરાશા જ મળી અને મુંબઈ પંજાબ સામે પણ મેચ હારી ગયું.

ત્યારે હવે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા એક મોટી મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. જેના કારણે રોહિત શર્મા પર IPL મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે. બુધવારે પંજાબ કિંગ્સ સામેની IPL મેચમાં ધીમી ઓવર રેટ માટે રોહિત શર્માને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સના બાકીના ખેલાડીઓને 6 લાખ અથવા 25 ટકા મેચ ફી, બેમાંથી જે ઓછો હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને તેના કેપ્ટન રોહિત શર્મા પર આઈપીએલની આ સિઝનમાં ધીમી ઓવર રેટ માટે બીજી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર પ્રતિબંધનો ખતરો છે.

જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રીજી વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થશે, તો નિયમો હેઠળ રોહિત શર્મા પર 30 લાખ રૂપિયાના દંડની સાથે એક મેચ માટે પ્રતિબંધિત થશે. જો રોહિત શર્માને પ્રતિબંધનો સામનો કરવો પડશે તો તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સૌથી મોટો ઝટકો હશે.

સ્લો ઓવર રેટના નિયમો અનુસાર, જો કોઈ ટીમ સિઝનમાં પ્રથમ વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત બીજી વખત, કેપ્ટન સહિત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ખેલાડીઓએ દંડ ભરવો પડશે. ભૂલનું પુનરાવર્તન કરવા પર, કેપ્ટન પર દંડની રકમ 25 લાખ થઈ જાય છે, પછી બાકીના ખેલાડીઓએ 6 લાખનો દંડ અથવા મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે ચૂકવવું પડશે.

જો કોઈ ટીમ સિઝનમાં ત્રીજી વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટનને એક મેચના પ્રતિબંધ સાથે 30 લાખ રૂપિયાનો દંડ અને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓને 12 લાખ અથવા 50 ટકા મેચ ફી, બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવે છે. ત્યારે હાલ મુંબઈ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યું છે અને તેમાં પણ ત્રીજી મેચમાં જો સ્લો ઓવર રેટની ભૂલ મુંબઈએ કરી તો તેમને ભારે પડી શકે છે.

Niraj Patel