આ દીકરીનો પગ નથી છતાં હોંસલો બુલંદ છે, શાળાએ જવા માટે 1 કિલોમીટર સુધી એવી રીતે કરે છે સફર કે વીડિયો આંખોમાં આંસુઓ લાવી દેશે

પરિશ્રમ અને નિશ્ચય આ બે વસ્તુઓ છે જેનો કોઈ વિકલ્પ નથી. આને અનુસરીને કોઈપણ વ્યક્તિ મંઝીલને પામી શકે છે. આવા અનેક ઉદાહરણો આપણા દેશ અને દુનિયામાં સમયાંતરે જોવા મળે છે. દરેક પ્રકારની સમસ્યાઓ હોવા છતાં, આવા લોકો તેમના સપનાને સાકાર કરે છે. બિહારના જમુઈ જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દસ વર્ષની વિકલાંગ વિદ્યાર્થીની સીમા પોતાની મહેનતથી ચર્ચામાં છે.

પોતાના ઉત્સાહના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બનેલી સીમા જમુઈ જિલ્લાના ફતેહપુર ગામની એક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. 10 વર્ષની સીમા ચોથા ધોરણની વિદ્યાર્થીની છે. પરિવારની વાત કરીએ તો સીમાના માતા-પિતા બંને અભણ છે. સીમાના પિતા ખીરન માંઝી, જે મહાદલિત વર્ગમાંથી આવે છે, બહાર મજૂર તરીકે કામ કરે છે, જ્યારે માતા બેબી દેવી ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સીમાને પગ ન હોવા છતાં તે દરરોજ ઘરથી શાળા સુધી 500 મીટર પગપાળા પ્રવાસ કરે છે. કોઈ રસ્તો ન હોવા છતાં, તે ચાલીને તેની શાળા સુધી પહોંચે છે. કોઈના પર બોજ બન્યા વિના, તે પોતાનું તમામ કામ જાતે પૂર્ણ કરે છે.

બુધવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ કુમાર દ્વારા સીમાને ટ્રાઈસિકલ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, જમુઈના પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ બુધવારે સીમાના ઘરે પહોંચ્યા અને તેને ટ્રાઈસિકલ આપી. જિલ્લા મેજિસ્ટ્રેટે એવું પણ વચન આપ્યું હતું કે સીમા જ્યાં અભ્યાસ કરે છે તે શાળાને એક મહિનામાં સ્માર્ટ બનાવવામાં આવશે.

IPS અધિકારી સુકૃતિ માધવ મિશ્રાએ ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. તેમણે લખ્યું છે કે સીમાને ટ્રાઈસિકલ મળી છે. કૃત્રિમ પગનું માપ પણ લેવામાં આવ્યું છે. સપનાની ઉડાન માટે કોઈ મર્યાદા ન હોવી જોઈએ. મિશ્રાએ આગળ લખ્યું કે સીમાની સાઇકલ અને કૃત્રિમ અંગ વિશે વાત થઈ છે. પ્રોસ્થેટિક લેગ ઇમ્પ્લાન્ટ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. મિશ્રા ઉત્તર પ્રદેશ કેડરના 2015 બેચના IPS (ભારતીય પોલીસ સેવા) અધિકારી છે.

સીમાએ લગભગ બે વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. ટ્રેક્ટરની ટક્કરથી તેને એક પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. હોસ્પિટલમાં ડૉક્ટરે તેનો પગ કાપવો પડ્યો. જોકે, સીમાએ આ ઘટનાને પોતાની નબળાઈ બનવા ન દીધી. બીજા બાળકોને શાળાએ જતા જોઈને સીમાએ પણ જીદ કરી. આ પછી સીમાના માતા-પિતાએ તેનું નામ શાળામાં લખાવ્યું. સીમા શાળાએ પહોંચે છે અને તેના પગની ગેરહાજરીને ધ્યાનમાં લીધા વિના ખંતપૂર્વક અભ્યાસ કરે છે.

સીમાના શાળાના શિક્ષક આદિ પણ તેની ભાવનાના વખાણ કરે છે. તેઓ જણાવે છે કે વિકલાંગ હોવા છતાં, સીમા કેડેથી માત્ર એક પગની મદદથી જ શાળાએ આવે છે. તે તેના તમામ કામ અને શાળાનું હોમવર્ક પણ સમયસર કરે છે. સીમાની માતાના કહેવા મુજબ તેમની પાસે સીમા માટે કોપી-બુક વગેરે ખરીદવા માટે પૂરતા પૈસા નથી. સીમાની હિંમત જોઈને આ બધું શાળાના શિક્ષકોએ પૂરું પાડ્યું છે. દરેક વ્યક્તિને સીમા પર ગર્વ છે અને વિશ્વાસ છે કે તે ઘરવાળાઓને ગૌરવ અપાવશે.

સીમાનું સપનું છે કે તે મોટી થઈને શિક્ષક બને. તે અભ્યાસ અને લખવામાં સક્ષમ બનવા માંગે છે જેથી તે પરિવારને મદદ કરી શકે. તેથી જ સીમાએ શાળામાં પોતાનું નામ લખાવવાનો આગ્રહ રાખ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં સીમાની કહાનીનો વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે અને સીમાને આખા દેશમાંથી શુભકામનાઓ મળી રહી છે.

Niraj Patel