અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાંથી આવી ઘટના સામે આવી છે. શાહીબાગમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મોરૈયાની ખીચડીમાં જીવડુ નીકળવાની ઘટના સામે આવી છે. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ખીચડીમાં જીવડું જોઇ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ AMC દ્વારા રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ મામલે સ્ટાફ સાથે ગ્રાહક દ્વારા વાત પણ કરવામાં આવી હતી. જો કે, ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ બીજી કોઈ વસ્તુ આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રાહકે કહ્યું- કોઈ વસ્તુ નહીં, પણ આ જીવડું આવ્યું કેમ ? મોરૈયાની ખીચડીમાં જીવડું આવ્યું છે. હવે તમારી કોઈ વસ્તુ ભાવશે નહીં.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનાર આકાશ શુક્લાએ જણાવ્યું કે- તેમને ભૂખ લાગી હતી, એટલે શાહીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી એક ફરાળી ખીચળી અને ભેળનો ઓર્ડર કર્યો. પણ જ્યારે તે મોરૈયાની ખીચડી ખાતો હતો ત્યારે એમાં એક મરેલું જીવડુ જોવા મળ્યુ.
આ પછી તેણે ફોટો અને વીડિયો ઉતાર્યો અને ત્યાં હાજર વ્યક્તિને પણ જાણ કરી હતી. જો કે, આ પછી ગ્રાહકે ફરિયાદ કરી. કારણ કે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ પ્રેમવતી રેસ્ટોરન્ટ એક જાણીતી બ્રાન્ડ છે અને જો આવું તેમાં થાય તો ગ્રાહકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ગ્રાહક દ્વારા આ અંગે AMCના ફૂડ વિભાગમાં જાણ કરવામાં આવી અને ફરિયાદ પછી AMCએ પ્રેમવતી રેસ્ટોરન્ટને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.
View this post on Instagram