અમરિકામાં વધુ એક ભારતીય યુવકનું થયું મોત, મિત્રો સાથે ધોધ પર ફરવા માટે ગયો હતો, એક ભૂલ અને મળ્યું દર્દનાક મોત, વાંચો

Indian Student Dies in USA : અમેરિકામાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરૂણ મોત થયું છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ભણવા ગયેલા સાંઈ સૂર્ય અવિનાશ ગડ્ડેનું ન્યૂયોર્કના અલ્બાનીમાં આવેલા બાર્બરવિલે ધોધમાં લપસી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. અવિનાશ મૂળ ભારતના હૈદરાબાદના પૂર્વ ગોદાવરી જિલ્લાના ગોપાલપુરમ મંડલ હેઠળના ચિત્યાલા ગામનો રહેવાસી હતો અને અવિનાશ અમેરિકામાં એમએસનો અભ્યાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને ત્રણ દિવસની રજા મળી ત્યારે તે તેના સંબંધીના ઘરે ગયો હતો, જ્યાંથી તે ધોધ જોવા ગયો હતો.

TOIના રિપોર્ટ અનુસાર, અવિનાશ 18 મહિના પહેલા અમેરિકા ગયો હતો અને હવે તેનો MS કોર્સ પૂરો થવાનો હતો. ચિત્યાલા ગામમાં રહેતા અવિનાશના પિતા શ્રીનિવાસ રાવને અમેરિકી સત્તાવાળાઓ તરફથી અવિનાશના દુ:ખદ મૃત્યુ અંગેનો સંદેશ મળ્યો છે. તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (TANA) એ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શક્ય તેટલી વહેલી તકે મૃતદેહને ભારત મોકલવાના પ્રયાસો કરી રહ્યા છે. અવિનાશનો મૃતદેહ શુક્રવાર (12 જુલાઈ) સુધીમાં ચિતિયાલા પહોંચે તેવી શક્યતા છે.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, “અમે ટ્રાઈન યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી સાંઈ સૂર્ય અવિનાશ ગડ્ડેના દુ:ખદ મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ, જેનું 7 જુલાઈના રોજ બાર્બરવિલે ફોલ્સ, અલ્બાની, ન્યૂયોર્કમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. અમે તેમના શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

7 જુલાઈ રવિવાર ના રોજ અવિનાશ તેના મિત્રો સાથે લગભગ 4 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) ધોધ જોવા ગયો હતો અને સવારે લગભગ 7 વાગ્યે (ભારતીય સમય મુજબ) તે ધોધમાં લપસી ગયો હતો, જેના કારણે તે ડૂબી ગયો હતો. માતા-પિતા શ્રીનિવાસ રાવ અને સિરિષા, જેઓ તેમના પુત્રના ટૂંક સમયમાં પાછા ફરવાની આશા રાખતા હતા, તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં છે. ગામના આશાસ્પદ યુવકના મોતના સમાચાર સાંભળતા નાના એવા ચિતિયાળા ગામમાં શોકનો માહોલ છે.

Niraj Patel