ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત થયું છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો નાયબ ચીફ મક્કી પાકિસ્તાનમાં રહેતો હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ મક્કીનું શુક્રવારે લાહોરમાં અવસાન થયું હતું. જમાત-ઉદ-દાવા અનુસાર, મક્કી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે સવારે મક્કીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું..
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને શુક્રવારે સાંજે 5:15 વાગ્યે અંતિમ સંસ્કાર બાદ દફનાવવામાં આવશે. અબ્દુલ રહેમાન મક્કી આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદનો નજીકનો સંબંધી અને જૂથનો નાયબ નેતા હતો. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રએ મક્કી પર પ્રતિબંધ લાદ્યો હતો અને તેના પર 2 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું હતું.વર્ષ 2023માં સંયુક્ત રાષ્ટ્રએ મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો.
અગાઉ વર્ષ 2020માં, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી ભંડોળના કેસમાં મક્કીને 6 મહિના માટે જેલમાં મોકલી દીધો હતો. ટેરર ફંડિંગ કેસમાં તેને સજા થઈ ત્યારથી, જમાત-ઉદ-દાવાના નાયબ ચીફ ઓછી પ્રોફાઇલ રાખતો હતો અને ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો હતો.પાકિસ્તાન મુત્તહિદા મુસ્લિમ લીગ (PMML) એ એક નિવેદનમાં કહ્યું કે મક્કી પાકિસ્તાનની વિચારધારાના સમર્થક હતો. મક્કીએ મુંબઈ આતંકી હુમલા માટે આતંકવાદીઓને પૈસા અને સંસાધનો આપ્યા હતા, જેમાં 166 લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો.