કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ, અંતિમ વિદાય આપવા પહોંચશે અનેક નેતા અને હસ્તીઓ

બે વખત ભારતના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનાઆજે અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવ દેહને શુક્રવારે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અન્ય ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી.

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે તેમની યાદમાં શોક પ્રસ્તાવ પસાર કર્યો. દેશમાં 1 જાન્યુઆરી 2025 સુધી 7 દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગયો છે. અહીંથી તેમની અંતિમ યાત્રા દિલ્હીના નિગમ બોધ ઘાટ સુધી જશે.

મનમોહન સિંહને અંતિમ વિદાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિગમ બોધ ઘાટ પહોંચશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખુદ મનમોહન સિંહના પરિવારને કોંગ્રેસ કાર્યાલય લઈ ગયા હતા. મનમોહન સિંહ હવે જલ્દી જ તેમની અંતિમ યાત્રા પર નીકળશે. દિલ્હીમાં AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના મુખ્યાલયથી અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ માટે રવાના થશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પહેલા દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર, સ્મશાનઘાટની મુલાકાત લેતા વિદેશી મહાનુભાવો અને VIP/VVIP તેમજ સામાન્ય લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખી ટ્રાફિકને રાજા રામ કોહલી માર્ગ, રાજઘાટ રેડ લાઇટ, સિગ્નેચર બ્રિજ અને યુધિષ્ઠિર સેતુથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

આચાર્ય યોગેશ કુમાર અનુસાર, ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ચંદનના લાકડાથી નિગમ બોધના વીઆઈપી ઘાટ પર સવારે 11.35 વાગ્યે કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી. કેસી વેણુગોપાલે કહ્યું- સરકાર પૂર્વ પીએમનું સ્મારક બનાવવા જમીન પણ શોધી શકી નથી. આ દેશના પ્રથમ શીખ પીએમનું અપમાન છે.

વાત એવી છે કે કેન્દ્ર સરકાર પાસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી હતી કે જ્યાં મનમોહન સિંહના અંતિમ સંસ્કાર થાય ત્યાં એક સ્મારક બનાવવામાં આવે. તેમણે ફોન પર પીએમ મોદી-અમિત શાહને કહ્યું કે આ પૂર્વ પીએમને સાચી શ્રદ્ધાંજલિ હશે. જો કે, ગૃહ મંત્રાલયે મોડી રાત્રે કહ્યું કે સરકારે ડો.મનમોહન સિંહના સન્માનમાં સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસને આ અંગે જાણ કરવામાં આવી, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરવામાં થોડા દિવસો લાગી શકે છે. જણાવી દઇએ કે, પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું, તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ઘરે તબિયત બગડ્યા બાદ તેમને રાત્રે 8.06 વાગ્યે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા અને તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

Shah Jina