અમેરિકા જવાની ઘેલછા 18 ગુજરાતીઓને પડી ભારે, ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં માફિયાના હાથે ચડ્યા

થોડા સમય પહેલા જ ગાંધીનગરના ડીંગુચા ગામના ચાર સભ્યોના ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડાની બોર્ડર પર થીજીને મોત થયા હતા અને તે બાદ માનવતસ્કરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ રાજ્યમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કરવા માટે યુએસ અને કેનેડાની એજન્સીઓએ ગુજરાત પોલીસની મદદ લીધી હતી. ત્યારે હાલ એવી ઘટના સામે આવી જેમાં મહેસાણા અને ગાંધીનગરના ગામના 18 જેટલા લોકો મુસીબતમાં મૂકાયા છે. અને તેઓ ઈસ્તાંબુલ (Istanbul)માં માફિયાઓની જાળમાં ફસાયા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બે પટેલ પરિવારના છ જેટલા સભ્યો ગત મહિને તુર્કીમાંથી ગુમ થયા હતા. ગુમ થયેલા છ લોકોમાં બે દંપતી અને એક છોકરી અને એક છોકરાનો સમાવેશ થાય છે. આ બધા ગાંધીનગરના કલોલના વતની હતા અને તેઓ જાન્યુઆરીમાં વિઝિટર વિઝા પર ઈસ્તાંબુલ ગયા હતા. તેઓ તુર્કી મેક્સિકો રૂટ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાની ફિરાકમાં હતા. ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કુલ 18 લોકો હતા અને બધા જ પટેલ સમાજના…

જાન્યુઆરી મહિનામાં જ તેમણે આ વિકલ્પ પસંદ કર્યો અને ત્યારથી ગુમ છે. આ ઉપરાંત ખંડણી માટે તો એક પરિવારને ફોન પણ આવ્યો હતો અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ કોઈ સંપર્ક થયો નહિ. હાલ ગુજરાત પોલીસ અન્ય તપાસ એજન્સીઓ સાથે મળીને રાજ્યમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશનના ધંધાનો પર્દાફાશ કરવાની દિશામાં કામ કરી રહી છે.

જણાવી દઇએ કે, બે પરિવારો ગુમ થયાની ખબર આવતાની સાથે જ તેમના સગા-સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે, તેઓ ઈસ્તાંબુલની એક હોટેલમાં છે અને આગામી બે-ત્રણ દિવસમાં અમદાવાદ આવશે. જો કે, આ પરિવારો હજી પરત આવ્યા નથી અને ત્યાર પછીથી તેમના કોઈ સમાચાર પણ નથી. આ કેસ હજી ઉકેલાયો નથી એવામાં ઈસ્તાંબુલ સ્થિત ઈન્ડિયન એમ્બસીને અપહ્યત લોકોના પરિવારજનો તરફથી મેઈલ આવ્યો છે જેમાં દાવો કરાયો છે કે, માનવતસ્કરો તેમની પાસેથી ખંડણી માગી રહ્યા છે.”

Shah Jina