IIM બેંગલુરુની હોસ્ટેલમાં મળ્યો સુરતના પટેલ પરિવારના છોકરાનો મૃતદેહ, 29મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યા બાદ બીજા માળથી…

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર (IIMB)માં 28 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી રવિવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ નિલય કૈલાશભાઈ પટેલ તરીકે થઈ છે, જે પીજી ડિપ્લોમાના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જોકે, મોત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસ મુજબ હોસ્ટેલમાંથી પડી જવાથી તેનું મોત થયું છે.

IIM બેંગ્લોરે PGP વિદ્યાર્થીના અકાળે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નિલય પટેલ ગુજરાતના સુરતનો રહેવાસી હતો અને તે મેનેજમેન્ટમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP)નો બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. રિપોર્ટ અનુસાર, નિલય સવારે 6.30 વાગ્યા આસપાસ સિક્યોરિટી ગાર્ડ્સને હોસ્ટેલના લૉનમાં બેભાન અવસ્થામાં મળ્યો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.

IIM બેંગ્લોરે નિલયના નિધનની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. નિલયની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) સુરતનો પૂર્વ વિદ્યાર્થી હતો. નિલયે 2019માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં B.Tech પૂર્ણ કર્યું હતું અને પાસ આઉટ થયા પછી બેંગલુરુમાં લગભગ ત્રણ વર્ષ સુધી OYO સાથે કામ કર્યું.

1 વર્ષ પહેલા નિલયે LinkedIn પર IIM બેંગ્લોરમાં પ્રવેશની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું, મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરમાં તેમના ફ્લેગશિપ પીજીપી કોર્સ માટે જોડાઈ રહ્યો છું, આ એક અવિશ્વસનીય તક છે જેના માટે હું ખરેખર આભારી છું, અને હું આ નવા રોમાંચને શરૂ કરવા માટે રાહ નથી જોઇ શકતો.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલિસે સોમવારે જાણકારી આપી કે બેંગલુરુ IIM-B વિદ્યાર્થીનું તેની હોસ્ટેલના બીજા માળેથી (કેટલાક રીપોર્ટ્સ અનુસાર ત્રીજા માળેથી) પડી જવાથી મોત થયું હતું. અધિકારીએ પીટીઆઈને કહ્યું, “મૃત્યુનું કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ, જે સંભવતઃ ત્રણ દિવસમાં આવશે.”

જણાવી દઇએ કે, આ ઘટનાને લઇ IIM-Bએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું- IIM બેંગ્લોર તેના PGP 2023-25ના વિદ્યાર્થીના અકાળે અવસાનના સમાચાર ખૂબ જ દુઃખ સાથે શેર કરે છે. આ ઉપરાંત એવું પણ લખવામાં આવ્યુ કે એવું લાગે છે કે જન્મદિવસની પાર્ટી પછી રૂમમાં પરત ફરતી વખતે નિલય અકસ્માતે બીજા માળની બાલ્કનીમાંથી પડી ગયો.

Shah Jina