કોમેડી કિંગ સિદ્ધાર્થ રાંદેરિયા અને રોનક કામદારની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ “હરિ ઓમ હરિ” શા કારણે જોવી જોઈએ ? જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ

આ વીકેન્ડમાં શું તમે પણ કોઈ ફિલ્મ જોવા થિયેટરમાં જવાનું વિચારો છો ? તો હાલમાં જ રિલીઝ થયેલી “હરિ ઓમ હરિ” વિશે તમારો શું વિચાર છે ? ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ અવશ્ય વાંચજો….

hurry om hurry movie review  : ફિલ્મો જોવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે અને આજે મોટી સંખ્યામાં યુવાધન અને કેટલાક પરિવારો વિકેન્ડમાં ફિલ્મ જોવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે જયારે વીકેન્ડમાં એક સાથે 3-4 ફિલ્મો ચાલતી હોય ત્યારે કઈ ફિલ્મ જોવી એ પસંદગી કરવી સૌથી મુશ્કેલ બની જાય છે અને ઘણા લોકો કેટલીક મોટા બેનરની અને સારી કમાણી કરનારી ફિલ્મો જોવા જવાનું પ્લાન કરે છે. પરંતુ જયારે ફિલ્મ જોઈને આવે ત્યારે તેમના પૈસા બરબાદ થઇ ગયા હોય તેમ તેમને લાગતું હોય છે.

ત્યારે તમારે કોઈપણ ફિલ્મ જોતા પહેલા તેના રીવ્યુ પર પણ થોડી નજર જરૂર કરવી જોઈએ. આજે એટલે કે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ હરિ” પણ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. જેનું પ્રીમિયર ગઈકાલે અમદાવાદના થલતેજમાં આવેલા પીવીઆર સિનેમામાં યોજાયું હતું. જેમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી. ત્યારે અમે પણ આ દરમિયાન ફિલ્મ જોઈ અને તમારા માટે ખાસ ફિલ્મનો સચોટ રીવ્યુ લઈને આવ્યા છીએ.

એક નવી જ અને યુવાનોને આકર્ષે તેવી વાર્તા : Hurry Om Hurry

બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મ “હરિ ઓમ હરિ”ની વાર્તા ખુબ જ દિલચસ્પ છે, એકદમ ફ્રેશ વાર્તા સાથેની રજુઆત આ ફિલ્મ જોવાનું એક મુખ્ય કારણ બની જશે. જેમાં પ્રેમ સંબંધો, લગ્ન જીવન અને મિત્રતાનો એક સુંદર સુમેળ જોવા મળે છે. આ ફિલ્મની કહાની એવી છે જે સમગ્ર પરિવાર અને મિત્રો સાથે બેસીને જોઈ શકાય છે. સાથે જ ફિલ્મમાં એક ખુબ જ સરસ મેસેજ પણ મળશે.

ફિલ્મનું કાસ્ટિંગ :

આ ફિલ્મમાં ચાર મુખ્ય કલાકારો છે. જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નંદી અને મલ્હાર રાઠોડ છે. સિદ્ધાર્થ રાંદેરિયા એક દેવદૂતની ભૂમિકામાં છે અને કદાચ તેમના સિવાય આ પાત્ર આટલું સારી રીતે કોઈ ના ભજવી શકતું. ગુજરાતી કોમેડી કિંગ તરીકે તેમનું જે નામ છે તે પણ આ ફિલ્મમાં તેમના ડાયલોગ દ્વારા રજૂ થાય છે.

વાત કરીએ રોનક કામદારની તો તે પણ ગુજરાતી સિનેમાનો એક ઉભરતો સિતારો છે અને તેણે પણ પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. ઓમના પાત્રમાં મિત્રતા, લગ્ન અને પ્રેમના સંબંધોમાં જે તેની મથામણ છે તે જોવાની પસંદ આવે છે. વ્યોમા નંદીએ પણ વીનીના પાત્રમાં પ્રાણ રેડી દીધા છે. સ્ક્રીન પર તેની ઉપસ્થિતિ દર્શકોને આકર્ષિત કરે છે. તો પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળેલ અભિનેત્રી મલ્હાર રાઠોડે તો લાઇમ લાઈટ લૂંટી લીધી. તેનો દિલકશ અભિનય જોઈને ચોક્કસ લાગે કે આગળના સમયમાં તે ખુબ જ મોટું નામ બનાવશે.

ઉમદા દિગ્દર્શન :

ફિલ્મ “હરિ ઓમ હરિ”નું દિગ્દર્શન યુવા દિગ્દર્શક નિસર્ગ વૈદ્યએ કર્યું છે અને તેમનું જે વિઝન છે તે તમને આ ફિલ્મમાં ચોક્કસ જોવા મળશે. ફિલ્મમાં એક પણ ક્ષણ એવી નથી આવવા દીધી જ્યાં દર્શકોનું મન ડગમગે, ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી જકડી રાખવાનું સુંદર કામ નિસર્ગ વૈદ્યએ કર્યું છે.

ફિલ્મની વાર્તા :

આ ફિલ્મની કહાની કોઈ એક વિષય પર આધારિત નથી, તેમાં મિત્રતા, પ્રેમ, સંબંધોની માવજત કેવી રીતે કરવી તે તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક બીજો ચાન્સ ઇચ્છતું હોય છે, અને તેમને એ ચાન્સ મળે પણ છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે નથી જાણતા. ત્યારે આ ફિલ્મમાં તમને એ વાતનું બહુ ઉમદા સમજ મળશે ! સાથે જ કોમેડી પણ એવી છે જેને માણીને તમે હળવા ફૂલ થઇ જશો. આ ફિલ્મમાં રોનક કામદાર ઓમની, સિદ્ધાર્થ રાંદેરિયા હરિની, વ્યોમા નંદી વિનીની અને મલ્હાર રાઠોડ માયરાની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની મુખ્ય કહાની ત્રણ મિત્રો પર આધારિત છે, જે બાળપણથી સાથે હોય છે. જેમાં વિની મા વગરની દીકરી છે અને તેના પિતા તેને બહુ સારી રીતે ઉછેરે છે, ઓમ તેનો ખુબ જ સારો મિત્ર છે અને તે પણ વિનીની ખુબ જ સારી રીતે કેર કરે છે, અચાનક વિની ઓમને લગ્ન માટે પ્રપોઝ કરે છે અને ઓમ પણ હા પાડી દે છે.  પરંતુ લગ્ન બાદ ખરી કહાની શરૂ થાય છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આ કહાનીમાં હરિની એન્ટ્રી થાય છે અને હરિ ઓમને પોતાની લાઈફ બદલવાનો એક ચાન્સ આપે છે.

ઓમ પણ પોતાની લાઈફમાં એક નવું ચેપટર લખવા ખુબ જ ઉત્સાહિત થાય છે, પરંતુ તે આ દરમિયાન ઘણા એવા કામ પણ કરે છે જે દર્શકોની ધારણા બહાર હોય છે. તેને કોલેજ સમયથી જ માયરા પસંદ હોય છે અને તે માયરાને જીવનસાથી બનાવવાનું નક્કી કરી લે છે. ત્યારે હવે કહાનીમાં આગળ શું થાય છે, ઓમના જીવનમાં માયરા આવે છે કે વિની જ ફરીથી તેની જીવનસાથી બને છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મના દૃશ્યો અને સંગીત :

ફિલ્મની વાર્તા અમદાવાદમાં રચાય છે, પરંતુ ફિલ્મમાં તમને રાજસ્થાન પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ જેસલમેરમાં પણ થયું છે. સાથે જ કેટલાક નાના સીન પણ અલગ અલગ જગ્યાએ શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે. જે ખરેખર ફિલ્મનો પ્રાણ છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે પછી ગીતો, તમને ચોક્કસ રોમાંચિત કરશે.

ફિલ્મના ગીતો :

ફિલ્મના ગીતો લખ્યા છે પ્રિયા સરૈયા, નિરેન ભટ્ટ અને દિલીપ રાવલે. ફિલ્મની અંદર કુલ 4 ગીતો છે. જેમાંથી એક ગીત અરમાન મલિક અને આદિત્ય ગઢવીએ ગાયુ છે, બીજું એક ગીત કિર્તીદાન ગઢવી અને ભૂમિ ત્રિવેદીના અવાજમાં સ્વરબધ્ધ થયું છે. ફિલ્મનું ત્રીજું ગીત સ્લિમમર્ચન્ટે ગાયું છે. તો ફિલ્મનું ચોથું ગીત શેખર રવજીયાની અને પાર્થ ભરત ઠક્કરે ગાયું છે. ફિલ્મનો ગીતો પણ ખુબ જ મજાના છે. જેને સાંભળ્યા પછી ગણગણવાનું પણ મન થાય.

ફિલ્મ પ્રોડક્શન 

એવરેસ્ટ એન્ટરટેટમેન્ટ દ્વારા નિર્મિત “હરિ ઓમ હરિ” ફિલ્મને પ્રોડ્યુસ કરી છે સંજય છબરીયાએ. જેમને મરાઠીમાં ઘણી બધી ફિલ્મો આપી છે અને તેમની ફિલ્મો એવોર્ડ વિનિંગ પણ રહી છે. ત્યારે તેઓ હવે ગુજરાતીમાં પણ જોડાયા અને આ સરસ મજાની ફિલ્મ તેમને આપી. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને ડાયલોગ વિનોદ સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે.

ઓવરઓલ જો વાત કરીએ તો આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે અને આખા પરિવાર તેમજ મિત્રો સાથે પણ માણી શકાય એવી આ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા પણ એકદમ ફ્રેશ છે અને અભિનય પણ ખુબ જ સુંદર છે. આ વીકેન્ડમાં તમે પણ આ ફિલ્મ જોવા માટે ચોક્કસથી જઈ શકો છો. તમારા પૈસા 100% વસુલ થશે. ગુજ્જુરોક્સ આ ફિલ્મને 5 માંથી 4.5 સ્ટાર આપે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel