કૌશલ બારડ લેખકની કલમે

હું ભાવનગરનો ધણી થઇને તને ખાલી હાથે જવા દઉં તો ગોહિલવાડની ધરતી લાજે!આને કહેવાય મહારાજા – વાંચો જબરદસ્ત પ્રસંગ

એ વાતને તો ઘણો વખત વહી ગયો છે પણ વાત હજી ભુલાઇ નથી.ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે.

તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી.જોરાવર બોરડી!મીઠા મધ જેવા,જોતા લાળ ટપકી પડે એવા,ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.

થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો હિઝ હાઇનેસ રાઓલસાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો.

“કોણ છે ?”

સિપાઇઓ બહારના રસ્તે દોડ્યા.થોડીવારમાં એક મેલાં-ઘેલા લૂંગડા પહેરેલ માણસને પકડી લાવ્યાં.ગરીબ લાગતા એ આદમીના અંગેઅંગ ધુણવા માંડ્યા હતાં.હવે તો ચોક્કસ ધરખમ સજા મળવાની!

બનેલું એમ કે,બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ,એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા.અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો.એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે!સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે!

“કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!”

“કેમ પથ્થર ફેંક્યો હતો,ભાઇ?”

“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય,બાપુ!”એ થથરતો હતો.

કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું.અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો.

“લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું.મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”

આવા હતાં ભાવનગરના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ!કેવો પ્રજાપ્રેમ!કેવી દિલાવરીયુક્ત દાતારી!આજે પણ લોકો એની કીર્તિની અમરગાથાને યાદ કરીને આંખના ખૂણા ભીંજવે છે.રંક હોય કે અમીર,ભાવેણામાં સૌ સરખાં રહેતા જ્યારે કૃષ્ણકુમારસિંહના રાજ તપતાં !

આઝાદ ભારતના એકીકરણ માટે સૌપ્રથમ ભારતસંઘ સાથે જોડાનાર રાજ્ય ભાવનગર હતું.અને હસતે મુખે રાજને માં ભારતના શરણે ધરી દેનાર રાજવી હતાં કૃષ્ણકુમારસિંહજી.

ગાંધીજી પોતાને ત્યાં આવતા કોઇને પણ સામે ચાલીને મળવાં જતાં નહી પણ જ્યારે કૃષ્ણકુમારસિંહજીની કાર એને આંગણે ઉભી રહી ત્યારે તરત મનુબેનને દરવાજો ખોલીને મહારાજાને લઇ આવવા કહેલું.મનુબેને પૂછ્યું કે,બાપુ!વાઇસરોય ખુદ આવે તો પણ એનું સ્વાગત થતું નથી તો મહારાજા માટે આવું કેમ?

ગાંધીજીએ જવાબ આપેલો – એક વખત હું પણ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણેલો છું.માટે ભાવનગરના મહારાજા એ મારા પણ મહારાજા કહેવાય.એનું સન્માન તો થવું જ જોઇએ ને!

આવું ઉચ્ચ વ્યક્તિત્વ હતું મહારાજાનું!ભાવનગરની સકલ ફેરવી નાખવાના સફળ પ્રયત્નો કરેલા કૃષ્ણકુમારસિંહજીએ.આઝાદી બાદ મદ્રાસ પ્રાંતના ગવર્નર તરીકે મહારાજાએ એક રૂપિયો પ્રતિ માસના વેતને પ્રામાણિકતાથી ફરજ નિભાવેલી.સૈન્યમાં પણ હિઝ હાઇનેસ તરીકે ઉચ્ચ હોદ્દો આપવામાં આવેલો.

પોતાનું બધું જ જતું કરી દેવું,સર્વસ્વ ત્યાગ કરી દેવો એ સહેલી વાત નથી!સતયુગમાં હરિશ્વચંદ્ર આવું કરી શક્યાં હતાં અને એ પછી કૃષ્ણકુમારસિંહજી!સરદાર પટેલ સાથે ખભેખભા મિલાવીને માં ભારત માટે બનતું કરી છૂટવા તૈયાર આવા રાજવીઓની આજે તાતી જરૂર છે નહીઁ?!

લેખક – કૌશલ બારડ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.