જો કુદરતી આફતને કારણે થાય કારને નુકશાન તો ક્યારેય ન કરવી આ મોટી ભૂલ…નહિ તો ઈન્સ્યોરન્સ ક્લેમ…

તમારી કાર કે બાઇક પૂર કે પાણીમાં ડુબે અથવા નુકશાન થાય તો, શું કરવું અને શું ના કરવું? વીમો પાસ થાય ? જાણો

Car Insurance claim: થોડા સમય પહેલા જ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ લેન્ડફોલ થયુ હતુ, જેણે ભારે નુકસાન પહોંચાવ્યુ હતુ. ત્યારે હાલમાં ગુજરાત સહિત ભારતના અનેક શહેરમાં આ વર્ષે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. ઉત્તરખંડ, દિલ્હી, ગુજરાત સહિતના અનેક શહેરોમાં પૂરમાં વાહનો તણાવાના વીડિયો પણ અત્યાર સુધી ઘણા સામે આવી ચૂક્યા છે. હજારોની સખ્યામાં વાહનોને નુકશાન પણ થયું છે. ત્યારે હાલમાં એક વીડિયો જૂનાગઢમાંથી સામે આવ્યો જેમાં અનેક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ અને એકની ઉપર એક કાર ચઢી હોવાના વીડિયો પણ સામે આવ્યા. ભારે વરસાદને પગલે અનેક શહેરોમાં રોડ રસ્તા પાણીમાં ડુબી જાય છે અને તેને કારણે વાહનોને ઘણુ નુકશાન પહોંચે છે. ગાડીમાં પાણી ઘુસી જાય તો એન્જિનને મોટાપાયે નુકશાન પહોંચે છે અને આ સાથે વાહનના ઈલેક્ટ્રીક પાર્ટ્સ તેમજ એસેસરીને પણ નુકશાન થાય છે.

ક્યારેક તો ગાડી રીપેર કરાવવાનો ખર્ચ પણ એટલો મોટો આવે છે કે બેંક બેલેન્સને અસર કરે છે. જો કે, આ વર્ષે જ નહિ પણ લગભગ દર વર્ષે ઘણા તોફાન, પૂર અને સાયક્લોન ગુજરાત સહિત દેશના કેટલાક ભાગમાં લેન્ડફોલ થતા હોય છે ત્યારે લાઈફ ઈન્સ્યોરન્સ સાથે સાથે કાર ઈન્સ્યોરન્સ પણ જરૂરી બન્યો છે. સાયક્લોનના કારણે ઝાડ પડવાની અથવા તો ભારે વરસાદને કારણે કારમાં પાણી ભરાઇ જવાની અથવા કાર તણાઈ જવાની સ્થિતિ બને છે. આવી સ્થિતિમાં જો કુદરતી આફતના કારણે કારને નુકસાન થાય તો ઈન્સ્યોરન્સથી શું ફાયદો થાય અને જો પહેલાથી કાર ઈન્સ્યોરન્સમાં આ વસ્તુ કવર હશે તો ક્લેમ કેવી રીતે કરવો તે જાણીએ.

જો કારનો ઈન્સ્યોરન્સ હોય તો તે નુકસાનને કવર કરે છે અને તેમાં ચોરી અથવા તો કુદરતી આપદાથી થતુ નુકસાન સામેલ હોય છે. પણ હવે આમાં એ વસ્તુ વધારે મેટર કરે છે કે તમે કેવા પ્રકારની પોલિસી લીધી છે. આમ તો વાહનો માટે થર્ડ પાર્ટી વીમો અને કોમ્પ્રેહેન્સિવ પોલિસી હોય છે. થર્ડ પાર્ટી વીમામાં આપણી કારથી જો સામે વાળાને નુકસાન પહોંચે તો એની ભરપાઈ કરવામાં આવતી હોય છે. જો કે આમાં પોતાની ગાડીને જે નુકસાન થયું છે એનું કવરેજ નથી મળતું. તેવામાં જો કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી તમે લીધી છે તો થર્ડ પાર્ટીની સાથે-સાથે ઓન ડેમેજ કવર પણ તમને મળી શકે છે.

આ ઉપરાંત એવું પણ હોય છે કે ગાડીના વીમામાં તેના અલગ અલગ પાર્ટ્સ માટે એડ ઓન કવર પણ લઈ શકાય છે. તોફાન અથવા સાયક્લોન સમયે કારના એન્જિનને નુકસાન પહોંચવાની સંભાવના વધારે રહે છે અને તેવામાં ગાડીના એન્જિનના પાર્ટ્સ મોંઘા હોય છે અને જો ઈન્સ્યોરન્સ પોલિસીમાં એન્જિન કવર એડ હશે તો તે ડેમેજ થશે તો અહીં કવર થઈ જશે. કુદરતી આફતમાં જો કાર ડેમેજ થાય તો સૌથી પહેલા વીમા કંપનીના સ્થાનિક ઓફિસને જાણકારી આપવી અથવા તો કોલ સેન્ટર પર ફોન કરવો. જો ગાડી પર ઝાડ પડ્યું હોય તો જાતે કોઈપણ વસ્તુ ના કરવી. સૌથી પહેલા કંપનીને જાણ કરવી અને યોગ્ય પુરાવા એકત્રિત કરવા ત્યારપછી જ પ્રોસિજર શરૂ કરવી.

બીજી બાજુ જો એન્જિન સુધી પાણી ભરાઈ ગયું હોય અને ગાડી ચાલુ નથી થઈ રહી તો રિપેર કરાવવા પ્રયત્ન ન કરવો અને ગાડીને બની શકે તો જાતે સેલ પણ ના મારવો. કારણ કે ક્લેમ માટે એક એપ્લિકેશન કરાય છે જે ઈન્સ્યોરન્સ કંપની સર્વેયરને અસાઈન કરે છે અને તે ક્લેમ સેટલ કરતા પહેલા ચેક કરે છે કે નુકસાન કેટલું થયું છે. તે પછી ઈન્સ્યોરન્સ કંપની ઓળખ કરવા માટે KYC ડોક્યુમેન્ટ્સ જમા કરવા કહે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં ઈન્સ્યોરન્સ ક્લેમ સરળતાથી પાસ થઈ જાય છે પણ કેટલાક પોતાના ડેટાબેસને ક્રોસ ચેક કરે છે અને ત્યારપછી ક્લેમ આપે છે.

ડેમેજ પ્રૂફ બતાવવા માટે સૌથી પહેલા ફોટોઝ અને વીડિયોઝ ક્લિક કરી લેવા કારણ કે ક્લેમ પાસ થઈ શકે. સાયક્લોન કે પૂરના સમયે જો ગાડીને 100% ડેમેજ થયું હોય તો શું નવી ગાડી મળે કે નહીં ? તો જણાવી દઈએ કે જો કુદરતી આફતના સમયે ગાડી સંપૂર્ણપણે ખરાબ થઈ જાય તો વીમા કંપની કારની ઈન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ આપે છે. આ એ રકમ છે જે તમે ગાડી માટે નક્કી કરી હશે. પરંતુ આ રકમ ત્યારે જ મળશે જ્યારે ગાડીને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું હોય. એટલે તમારે પોલિસી સાઈન કરતા પહેલાં ઈન્સ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ જરૂર ચેક કરવી જોઇએ.

Shah Jina