જૂનાગઢમાં તેજ રફ્તાર કાર ચાલકે સર્જ્યો મોતનો તાંડવ, બાઈક પર જઈ રહેલા 3 યુવકોને અડફેટે લેતા નિપજ્યા કમકમાટી ભર્યા મોત

Hit and run Junagadh : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને ઘણા લોકો આ અકસ્માતનો ભોગ બનીને મોતને પણ ભેટતા હોય છે, મોટાભાગના અકસ્માત ડ્રાઈવરની બેદરકારી અને બેફિકરાઈ ભારવાળા ડ્રાઈવિંગ તેમજ ઓવર સ્પીડના કારણે થતા હોવાનું સામે આવે છે. ત્યારે હાલ એક એવા જ અકસ્માતની ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે, જ્યાં એક કાર ચાલકે બાઈક પર જઈ રહેલા ત્રણ લોકોનો ભોગ લીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં આવેલા બાંટવા પાજોદ ગામ પાસે ગતરોજ મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઇકો કાર ચાલકની બેદરકારી અને ઓવર સ્પીડની ચપેટમાં એક બાઈક આવી ગયું હતું. બાઇકને અડફેટે લેતા ત્રણેય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઈને રાહદારીઓ પણ ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન ત્રણેય યુવકો મોતને ભેટ્યા હતા. મૃતકોમાં 16 વર્ષીય ભરત નગભાઇ મોરી, 25 વર્ષીય પરેશ પરબતભાઇ રામ જે બાટવાના રહેવાસી હતા અને ત્રીજો 30 વર્ષીય યુવક હરદાસ કાળાભાઇ આડેદરાનો સમાવેશ થાય છે. અકસ્માત અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત બાદ કાર ચાલક પણ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કારના નંબર પરથી ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

ત્રણેય યુવકોના મોતના કારણે તેમના પરિવાર અને સમગ્ર ગામમાં પણ માતમ છવાયો છે. ત્યારે રાજ્યમાંથી સતત સામે આવી રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓ પણ ચિંતાનો વિષય બની છે. અવાર નવાર કોઈને કોઈના હિટ એન્ડ રનમા મોત થયાના સમાચાર સામે આવતા રહે છે. ગતરોજ જામનગરના ખંભાળિયામાંથી પણ એક એવી જ ઘટના સામે આવી હતી, જ્યાં રસ્તો ઓળંગી રહેલા માતા અને દીકરીને એક કાર ચાલકે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું.

Niraj Patel