અમદાવાદ ખૌફનાક અકસ્માત બાદ હર્ષ સંઘવીએ રદ કર્યા આજના બધા કાર્યક્રમો, “બંને બાપ-બેટાને કાયદાનું ભાન થાય એવી કડક….” જુઓ શું કહ્યું ?
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા મોટા અકસ્માતને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા. અકસ્માત અંગે ગૃહ રાજ્યમંત્રી આજે અમદાવાદના પોલીસ અધિકારીઓની બેઠક યોજશે. ગત રાત્રે ઇસ્કોન બ્રિજ પર થાર એસયુવી અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોને એક ઝડપી જગુઆર કારે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ એસજી હાઈવેનો તે ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક તપાસ બાદ હાઇવેનો આ ભાગ ખુલ્લો કરવામાં આવશે.
હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો શોક
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી. ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદમાં ટ્રાફિક DCPની જવાબદારી 2018 બેચના IPS ઓફિસર સફીન હસન પર છે. હસનને 11 મહિના પહેલા અમદાવાદના ટ્રાફિક ડીસીપીની જવાબદારી સોંપવામાં આવી હતી. અકસ્માત માટે ઓવર સ્પીડ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઇસ્કોન બ્રિજ પર એક પછી એક બે અકસ્માતો થયા, જેના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. થાર ડમ્પર સાથે અથડાયા બાદ લોકો મદદ માટે દોડી આવ્યા પણ આ દરમિયાન 160 જેટલી ઝડપે મોતની જેમ દોડી રહેલી જગુઆરે ત્યાં હાજર લોકોને કચડી નાખ્યા હતા.
એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરવાની જાહેરાત
જેના કારણે ઘટના વધુ ગંભીર બની હતી. ગાંધીનગર-સરખેજ (SG હાઇવે) પર થયેલા મોટા માર્ગ અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો. તો DCP ટ્રાફિક પશ્ચિમે જણાવ્યું કે જગુઆર ચલાવનાર ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે. સારવાર બાદ તેની ધરપકડ કરવામાં આવશે. તે અમારી અને હોસ્પિટલ પ્રશાસનની દેખરેખ હેઠળ છે. આ ઘટના પર રાજ્ય સરકારે મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જગુઆર ચલાવતા ડ્રાઇવર તથ્ય પટેલ વિશે પણ મોટો ખુલાસો થયો છે. હકીકતમાં તથ્યની ઉંમર માત્ર 17 વર્ષ છે.
કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે
ઘટના બાદ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેણે ત્યાંના લોકોને ધમકાવ્યા હોવાનું સામે આવ્યું હતુ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કાર્યવાહી કરવામાં આવશે. પ્રજ્ઞેશ પટેલની ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવણી બહાર આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે એસજી હાઈવેના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતની ઘટના અંગે આજે સાંજ સુધીમાં આરટીઓ રિપોર્ટ અને આવતીકાલે પીએમ રિપોર્ટ આવશે. આ મામલે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે.
જગુઆર ચલાવતો હતો તેની સાથે તેના પિતા સામે પણ કેસ નોંધવાનો આદેશ
સંઘવીએ કહ્યું કે પટેલ જગુઆર ચલાવતો હતો તેની સાથે તેના પિતા સામે પણ કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોઈન્ટ સીપીની આગેવાનીમાં મોટી પોલીસ ટીમ તપાસ કરી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી અને પ્રાથમિકતાના આધારે લેવામાં આવી રહી છે. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ, જેઓ છેવટ સુધી ફરજ પર હતા, તેઓએ પણ જીવ ગુમાવ્યો છે. રોડને રેસિંગ ટ્રેક ગણતા સ્ટંટમેન અને વાહનચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે, પરંતુ રાજ્યના ગૃહમંત્રી અને પુત્ર તરીકે હું લોકોને અપીલ કરું છું કે તે રોડને રેસિંગ ટ્રેક ન ગણે. હું માતા-પિતાને કહેવા માંગુ છું કે તમે સમૃદ્ધ છો, તમારા પુત્રોને સમજાવો.
બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી કરાશે
ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીએ જણાવ્યું કે બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવશે. ટ્રાફિક જેસીપીએ જણાવ્યું કે એસજી હાઈવેના CCTV કેટલાય મહિનાઓથી બંધ છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સંખ્યાબંધ રજૂઆત કરી પણ તેમણે આર એન્ડ બીની જવાબદારી હોવાનું કહ્યું અને આર એન્ડ બીએ પણ સીસીટીવી કેમેરાની જવાબદારી ન લીધી. તેમણે કહ્યુ કે- ભવિષ્યમાં પણ કેમેરા બંધ રહે અને કોઈ બનાવ બને તો તે અંગે કોઈ જવાબદાર નહીં રહે.