મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગની ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતી પણ સામેલ હતા. ત્યારે હાલમાં કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વધુ એક ગુજરાતીનું મોત થયું છે. નવસારીના વાંસદામાંથી કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય વિવેક પટેલને સ્નાન દરમિયાન અચાનક ચક્કર આવતા પાણીમાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓએ તેમને તાત્કાલિક બચાવી લીધા અને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જો કે, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં વાંસદામાં રહેતા તેમના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. ત્યારે હવે મૃતદેહને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવકનું મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.