મહાકુંભમાં કિન્નર અખાડાની મહામંડલેશ્વર કલ્યાણી નંદ ગિરી પર હુમલો, આશીર્વાદ બહાને ચાકુથી વાર
મહાકુંભમાં ગુરુવારે રાત્રે કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદ ગિરી ઉર્ફે છોટી મા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના ત્રણ શિષ્યો પણ ઘાયલ થયા છે. ઘટના બાદ તમામને તાત્કાલિક મહાકુંભની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આ ઘટના ત્યારે બની જ્યારે કલ્યાણી નંદ ગીરી પોતાની કારમાં અખાડા કેમ્પ પરત ફરી રહ્યા હતા. રસ્તામાં કેટલાક લોકો આશીર્વાદ લેવાના બહાને આવ્યા અને વાહન રોકી તેમના પર છરી વડે હુમલો કર્યો. તેમના બચાવમાં આવેલા શિષ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેઓ પણ ઘાયલ થયા છે. આ હુમલા પાછળ પહેલેથી જ ચાલી રહેલો વિવાદ પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.
9 ફેબ્રુઆરીએ પરી અખાડાના જગદગુરુ હિમાંગી સખીએ કલ્યાણી નંદ ગિરી, આચાર્ય મહામંડલેશ્વર ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને કૌશલ્યા નંદ ગિરી પર હુમલાનો આરોપ મૂક્યો હતો. પોલીસ આ હુમલાને આ વિવાદ સાથે જોડવાની પણ તપાસ કરી રહી છે. જો કે ઘાયલોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તમામની હાલત ખતરા બહાર છે.
પોલીસ આરોપીઓની ઓળખ કરવામાં અને ઘટના પાછળનું ષડયંત્ર શોધવામાં વ્યસ્ત છે. જણાવી દઇએ કે, વિવાદોને કારણે મમતા કુલકર્ણીએ 10 ફેબ્રુઆરીએ મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણે તેમનું રાજીનામું સ્વીકાર્યું ન હતું. જે બાદ મમતા કુલકર્ણી ફરી અખાડામાં જોડાઈ ગઈ છે અને તેણે મહામંડલેશ્વરનું પદ પણ સ્વીકાર્યું છે.