રાજકોટમાં ધ્રોલ પાસે લગ્ન પહેલા જ વરરાજાની કારને નડ્યો અકસ્માત, એસટી બસ સાથે ટક્કર થતા કારના ઉડી ગયા પરખચ્ચા

હજી તો જાન લગ્ન મંડપ સુધી પહોંચી પણ ન હતી અને વરરાજાની કારની થઇ બસ સાથે જોરદાર ટક્કર, કારનો વળી ગયો કચ્ચરઘાણ- આટલાંના મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અવાર નવાર તેજ રફતાર વાહનને કારણે તો ઘણીવાર વાહનમાં કોઇ તકનીકી ખામી સર્જાવાને કારણે તો ઘણીવાર કોઇ અન્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે. હાલમાં રાજકોટના જામનગર હાઇવે પર ધ્રોલ પાસે લગ્ન પહેલા જ વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં કાર ચાલકનું મોત પણ નિપજ્યું છે. જ્યારે ચાર બાળકો અને ચાર પુખ્ત વયના લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ધ્રુજાવી દે તેવી છે. તમે પણ તસવીરોમાં જોઈ શકાય છે કે એસ.ટી. બસ સાથે ટક્કર બાદ વરરાજાની કારના આગળના ભાગના તો પરખચ્ચા ઉડી ગયા હતા. એક વ્યક્તિ અનુસાર, આ અકસ્માત એસ.ટી.બસના ચાલકની બેદરકારીને પગલે થયો છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટથી ખીજડીયા ગામે જતી વરરાજાની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ધ્રોલ પાસે આવેલા સાંઈ મંદિર નજીક આ અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત બાદ સૌપ્રથમ તો ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને પછી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ 108 તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચતા કર્યાં હતા. મૃતકનું નામ રાજુભાઈ હોવાનું સામે આવ્યુ છે. તેઓ કાર ચલાવી રહ્યા હતા.

આ મામલે જામનગર ગ્રામ્ય પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, એસટી બસ ચાલકની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. જો કે, વરરાજા જાન લઇને લગ્ન મંડપ સુધી પહોંચે એ પહેલા જ આ અકસ્માત સર્જાયો હતો.

Shah Jina