સુરતમાં પીઠીના સમયે જ ભાઇ ચપ્પુ લઇને પહોંચ્યો અને ઉપરાછાપરી ઘા ઝીંકી કરી દીધી બહેનની કરપીણ હત્યા

સુરતમાં હલદી રસમની ચાલુ વિધિએ જ ભાઈએ બહેનને રહેંસી નાખી,  બહુ જ ખરાબ સમાચાર સામે આવ્યા
ગુજરાતમાંથી હત્યાના ઘણા બનાવ અવાર નવાર સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો, જેમાં લગ્નના એક દિવસ પહેલા જ એક પિતરાઇ ભાઇ દ્વારા બહેનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી. ઘટનાની જાણ થતા પોલિસ પણ તાત્કાલિક પહોંચી હતી અને આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે, જેમાં પરિવારની વિરુદ્ધ જઇ યુવતીએ પહેલા પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા અને પછી યુવકના પરિવાર દ્વારા બંનેનાં વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા અને આ દરમિયાન જ લગ્નના એક દિવસ પહેલા હલદીની રસમમાં યુવતીનો પિતરાઈ ભાઈ આવ્યો અને તેણે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી. યુવતીને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ હતુ. તે બાદ સ્થાનિકો દ્વારા આરોપીને પકડી પોલીસના હવાલે કરાયો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના લિંબાયતના રામેશ્વર સોસાયટીના ફ્લેટ નંબર 153 ખાતે રહેતો જીતેન્દ્ર ધાગાજી મહાજન કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા. લગ્નના આગળના દિવસે હલદીની વિધિ ચાલી રહી હતી ત્યારે જ સોમવારે દુલ્હન કલ્યાણી પાટીલનો પિતરાઈ ભાઈ મોનું પાટીલ ત્યાં આવ્યો અને તેણે અચાનક તેની બહેન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. છોકરો મહાજન સમાજનો છે અને યુવતી પાટીલ સમાજની છે.

બંનેના પરિવાર લિંબાયતમાં જ રહે છે. જોકે, બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો અને યુવતીના પરિવારજનો પ્રેમ સંબંધની વિરુદ્ધ હોવાને કારણે જીતેન્દ્ર અને કલ્યાણીએ એકાદ મહિના પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા હતા. જો કે, કોર્ટ મેરેજના એક મહિનો વીતી ગયા બાદ યુવક-યુવતીના વિધિવત લગ્ન કરવાનું યુવકના પરિવાર દ્વારા નક્કી કરાયું. મંગળવારે બંનેના લગ્ન થવાના હતા અને આ દરમિયાન સોમવારે બંનેની હલદીની વિધિ ચાલી રહી હતી.

કલ્યાણી પાટીલનો પિતરાઈ ભાઈ મોનું પાટીલ ત્યાં પહોંચ્યો અને તેણે ચપ્પુ વડે બહેનની હત્યા કરી દીધી. વરરાજા અને પરિવારજનો કંઈ વિચાર કરે એ પહેલા તો આરોપીએ તેની બહેન પર હુમલો કરી દીધો હતો. જોકે, ગંભીર ઇજાને કારણે દુલ્હનનું સારવાર મળે એ પહેલા જ મોત થયુ હતુ. હુમલા બાદ યુવકના પરિવાર દ્વારા આરોપીને પકડી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલિસે પણ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Shah Jina