ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધને કારણે તો ઘણીવાર માનસિક કે શારીરિક હેરાનગતિને કારણે કેટલાક લોકો આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ઘણીવાર પરણિતાઓ પતિ અથવા સાસરિયાના ત્રાસને કારણે તો ઘણીવાર દહેજને કારણે આપઘાત કરી લેતી હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો જેમાં એક 22 વર્ષિય યુવતિની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી, જે બાદ તેના પરિવારજનોએ તેની હત્યાનો આરોપ લગાવ્યો.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સાડા ત્રણ મહિના પહેલા અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કરનાર યુવતીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તે તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. માહિતી મળતા જ માતા સહિત સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને દહેજના કારણે મોતનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુગલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલદાસ મોહલ્લામાં રહેતી 22 વર્ષિય સનાના લગ્ન બે વર્ષ પહેલા વારસી નગરના રહેવાસી સૈયદ રેહાન સાથે થયા હતા. આ પછી સનાને મુગલપુરા વિસ્તારમાં હાથી વાલા મંદિરમાં રહેતા અજય દિવાકર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિ સાથે છૂટાછેડા લીધા બાદ સનાની અજય દિવાકર સાથેની નિકટતા વધી ગઈ હતી. 18 મે 2022ના રોજ સનાએ અજય દિવાકર સાથે સોનમ તરીકે લગ્ન કર્યા.

લગ્ન બાદ અજય અને સના ઉર્ફે સોનમ હિમગીરી કોલોનીમાં રહેવા લાગ્યા. ત્યારે 9 ઓગસ્ટના આસપાસ રાત્રે 10 વાગ્યે સનાની લાશ દુપટ્ટા વડે પંખા સાથે લટકતી મળી આવી. સનાના ભાઈએ પોલીસને જણાવ્યું કે અજય દરરોજ દારૂ પીતો હતો અને સનાને મારતો હતો. તે સના પર દહેજ લાવવા દબાણ કરતો હતો. સનાના ભાઇ અને માતાનો આરોપ છે કે અજયે સનાની હત્યા કરી છે. મંગળવારે રાત્રે દસ વાગ્યે તેમને પોલીસ કર્મચારીઓ પાસેથી માહિતી મળી કે સનાની લાશ લટકતી હાલતમાં મળી આવી છે.

સીઓ સિવિલ લાઇન્સ આશુતોષ તિવારીએ જણાવ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. સનાની માતા તરફથી અજય દિવાકર અને તેના માતા-પિતા વિરુદ્ધ દહેજના કારણે મોતની ફરિયાદ મળી છે. આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે. તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હકીકત બહાર આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.