અમદાવાદની યુવતીના સગાઈના 10 દિવસ પહેલા જ નડ્યો અકસ્માત, રિંગ રોડ પર ટ્રકની ટક્કરે લઇ લીધો જીવ

Girl dies in ring road accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, આવા અકસ્માતોમાં કેટલાય નિર્દોષ લોકો કાળનો કોળિયો બની ગયા છે, ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં રિંગ રોડ પર ટ્રક અને એક્ટિવાની ટક્કરમાં એક યુવતીનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નિકોલના ઉત્તમ નગર ખાતે રહેતી માનસી સગર નામની યુવતી લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતી હતી, યુવતી ઓફિસથી પોતાનું કામ પતાવી ઘરે જઈ રહી હતી ત્યારે જ ઓઢવ રિંગ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોતના કારણે તેના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો.

આ બાબતે એવું પણ સામે આવ્યું છે કે આવનાર 21 જુલાઈના રોજ યુવતીની સગાઈ પણ થવાની હતી. ઘટના અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેના બાદ યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસે હાલ આ મામલે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માનસી છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન માટે પોતાના પરિવારને મનાવી રહીં હતી. આખરે પરિવાર પણ તેના પ્રેમ લગ્ન માટે સંમત થતા, 21 જુલાઈના રોજ સગાઈ રાખવામાં આવી હતી, પરંતુ માનસીને ક્યા ખબર હતી કે, તેના જીવનસાથી સાથે જીવન વિતાવતા પહેલા જ આ રીતે તે કાળનો કોળિયો બની જશે.

Niraj Patel