મધ્યરાત્રીએ રાધનપુર હાઇવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો, આણંદથી રાપર જતી બસ ધડામ દઈને ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના દર્દનાક મોત

પાટણના રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બન્નેના ડ્રાઇવર સહિત ચારના મોત, 6ને ઇજા

ST Bus truck Accident In Radhanpur : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, આવા અક્સ્માતોમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, ખાસ કરીને અકસ્માત બેફકરાઈ ભરેલા ડ્રાઈવિંગના કારણે થતા હોવાનું સામે આવે છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના રાધાનુપુર હાઇવે પર સામે આવી છે, જેમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, આ ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જીલ્લાનાં રાધનપુર તાલુકાનાં શબ્દલપુરા વચ્ચે ખારિયાપુલ નજીક ગતરોજ મધ્ય રાત્રીએ એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, જેમાં 4 ડ્રાઈવર સમેત 4 લોકોના મોત અને 6 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બસ આણંદથી રાપર જઈ રહી હતી, ત્યારે જ રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે 2:00 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. તેમજ બન્ને વાહનોને અલગ કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો. હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એસટી બસનાં ડ્રાઈવર, કંડક્ટર અને ટ્રકનાં ડ્રાઈવર, ક્લિનરનું મોત થયું હતું.

Niraj Patel