રાજ્યમાં એક બાદ એક દુર્ધટનાઓ ઘટી રહી છે. ત્યારે ગાંધીનગરથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગરના કોબા કમલમ નજીક એક નિર્માણધીન દીવાલ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં એક શ્રમિક રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું કરૂણ નીપજ્યું છે. આ તરફ 3 શ્રમિકો દટાઈ ગયા હોવાનું પણ સામે આવતા ફાયરની ટીમ પણ દોડી ગઈ છે. જ્યાં રેસ્ક્યૂ કરી અન્ય 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઘટના અંગે ગાંધીનગર પોલીસ કંટ્રોલના હેડ કોન્સ્ટેબલ મેહુલે સવારે 11:40 વાગ્યે ફાયર કંટ્રોલને જાણ કરી હતી, જેથી ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.દુર્ઘટનામાં બે મજૂર ઘાયલ થયા છે. 45 વર્ષીય નટવરભાઈ ડામોર અને 19 વર્ષીય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના ચિલોડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે ફાયરબ્રિગેડની ટીમે બપોરે 1:10 વાગ્યે રેસ્ક્યૂ-ઓપરેશન પૂર્ણ કર્યું હતું.
કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે. આ સાથે સુપરવાઈઝર ચંદ્રેશે જણાવ્યું કે, સેફ્ટીનેટ બાંધતી વખતે આ ઘટના ઘટી હતી. ત્રણ લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી બે લોકોનો બચાવ થયો છે જ્યારે એકનું મોત થયું છે. આ ત્રણેય મજૂરો રાજસ્થાનના છે. દોઢ મહિનાથી અહીં કામ કરતા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.