પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા વડોદરાના ત્રણ લોકોની નીકળી અંતિમયાત્રા, પરિવારના હૈયાફાટ રૂદન વચ્ચે સર્જાયા કરુણ દ્રશ્યો…

Source : પરિવારજનોનાં હૈયાફાટ રુદન વચ્ચે અંતિમયાત્રા નીકળી:વડોદરામાં પતિના પાર્થિવદેહને જોઈને પત્ની રડી રડીને બેભાન થઈ; અઢી વર્ષની પુત્રીને એકલી મૂકીને માતા અનંતની યાત્રાએ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડોદરાના ત્રણ લોકોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મૂળ વડોદરાના અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા બિઝનેસમેન કેતન શાહની તેમના નિવાસસ્થાને અંતિમયાત્રા નીકળી હતી. આ સમયે પરિવારના કરુણ આક્રંદને કારણે વાતાવરણ ગમગીન બની ગયુ હતુ. કેતનભાઇની પત્નીના તો રડી રડીને હાલ બેહાલ હતા, તે બેભાન પણ થઇ ગયાં હતાં.લંડનમાં રહીને બિઝનેસ કરતા કેતન શાહ પિતાને પેરાલિસિસ થયો હોવાથી દર વર્ષે મળવા માટે વડોદરા આવતા હતા.(તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

આ વખતે પણ તેઓ પિતાના ખબરઅંતર પૂછી લંડન જવા રવાના થયા હતા જો કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટ્યા. કેતનભાઇના પરિવારમાં પત્ની અને બંને સંતાનો છે, જેઓ લંડનમાં રહે છે. કેતનભાઇના નિધનથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. કેતનભાઇના DNA મેચ થયા બાદ મંગળવારે તેમના પાર્થિવદેહને વડોદરા ખાતે લાવવામાં આવ્યો અને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.

આજે સવારે કેતન શાહના પાર્થિવદેહને વડોદરાના ગોત્રી રોડ પર આવેલ રોશની પાર્ક સ્થિત તેમના ઘરે લઇ જવામાં આવ્યો અને પછી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી. કેતન શાહની અંતિમયાત્રામાં આખો પરિવાર હીબકે ચડ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. તેમની અંતિમયાત્રા વડીવાડી સ્મશાન ખાતે પહોંચી અને ત્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.

જ્યારે વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ પરાગરજ સોસાયટીમાં રહેતા નેન્સી પટેલ કે જે 15 દિવસ પહેલાં લંડનથી વડોદરા આવ્યા હતા તેમનો પણ મૃતદેહ ગઇકાલે રાત્રે વડોદરા લાવવામાં આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. નેન્સી પટેલ તેમના પતિ અને અઢી વર્ષની દીકરી સાથે લંડનમાં રહેતા હતા. દીકરીની બાબરી હોવાથી તેઓ પોતાની સાસરીમાં આવ્યા હતા. અઢી વર્ષની દીકરી યાન્સીને ઘરે મૂકી તેઓ પરત લંડન જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા.

તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા. ત્યારે DNA મેચ થયા પછી તેમનો મૃતદેહ વડોદરા પહોંચ્યા પછી આજે તેમની અતિમયાત્રા કાઢવામાં આવી હતી અને વડીવાડી સ્મશાન ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. આ ઉપરાંત મૂળ વડોદરાના વરણામાનાં તરલિકાબેન પટેલનો પણ મૃતદેહ આજે વરણામા સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો અને સવારે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. આ સમયે ડભોઇના ધારાસભ્ય શૈલૈષ મહેતા (સોટ્ટા) હાજર રહ્યા હતા અને તરલિકાબેનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!