12 જૂનનો એ દિવસ અમદાવાદમાં બનેલી કાળમુખી પ્લેન દુર્ધટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા કોઈએ ભાઈ તો કોઈએ પિતા કોઈએ દીકરો તો કોઈએ દીકરી ગુમાવી, કોઈએ માતા તો કોઈએ બહેન ગુમાવી, આકાશમાંથી કાળ બનીને આવેલ આ દુર્ધટનામાં અનેક સપના રોળાય.
આ ઘટનામાં દેશ,વિદેશના થઈ 241 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં તેમના મૃતદેહો DNA બાદ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.આ ઘટનામાં દીવના 14 લોકોનાં મોત થયાં હતાં. 17 જૂનના રોજ 4 મૃતદેહ અને મોડીરાત્રે એક મૃતદેહ દીવ પહોંચ્યા હતા. આજે સવારે વધુ 7 મૃતદેહ દીવ પહોંચતાં સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાયું છે. આ ઘટનામાં દીવમાં રહેતા વિશ્વાસ નામની વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. વિશ્વાસની સાથે તેમનો ભાઈ પણ અમદાવાદથી લંડન જવા નીકળ્યો હતો, જેનું પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોત થયું છે.
આજે એકમાત્ર બચી ગયેલા વિશ્વાસે ભાઈ અજયને અંતિમ વિદાય આપી. અજયની નનામી ઊંચકી ભાઈ વિશ્વાસે ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું, ‘મને કેમ જિવાડ્યો, મને પણ મારી નાખવો હતો’.હવે મારે ઘેર જઈને શું કરવું. ભાઈ ભાઈ કરીને વિશ્વાસ ભાંગી પડ્યો હતો. પરિવારજનો વિશ્વાસને સાંત્વના આપી હતી. વિશ્વાસ તેના ભાઈ અજયના નિધનથી ખૂબ ભાંગી પડ્યો હતો. ભાઈનું રુદન જોઈને ઉપસ્થિત સૌકોઈની આંખો ભીની થઈ ગઈ.
મૃતક અજયની પત્નીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વિશ્વાસ પણ હવે દીવ પહોંચી ગયો છે, જ્યાં તેમના ઘરે સન્નાટો છવાયેલો છે.પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે અને મૃતક અજયને બે દીકરી હતી, પરંતુ લંડનમાં બીમારીને કારણે બંને દીકરીનાં મૃત્યુ થઇ ચૂક્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ દુર્ધટનામાં બચેલ એકમાત્ર વિશ્વાસને ગઈકાલે સાંજે 7.30 વાગ્યે તેની તબિયત સારી હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેનુ્ં ફેમિલી વિશ્વાસને લઈ ગયું અને તેનો જે ભાઈ જે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મૃત્યુ પામ્યો છે તેનો પાર્થિવદેહ રાત્રે 2 વાગ્યાની આસપાસ ફેમિલીને સોંપવામાં આવ્યો છે અને પરિવાર તેમના મૃતદેહને અંતિમક્રિયા માટે દીવ લઈ ગયા છે. તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.