ગાંધીનગરના ચડાસણા ગામમાં રોકાયો વરરાજાનો વરઘોડો, ઘોડી પરથી ઉતારી માર્યો માર…

ગુજરાત સમેત સમગ્ર દેશમાં પુરજોશમાં લગ્ન સિઝન ચાલી રહી છે, પરંતુ ગાંધીનગરમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી. ચડાસણા ગામે એક યુવકના વરઘોડાને રોકવામાં આવ્યો અને વરરાજાને ઘોડી પરથી ઉતારી માર પણ મારવામાં આવ્યો. જાન લઇને આવેલા દલિત પરિવારને કેટલાક ભાથાભારે શખ્સોએ વરઘોડો કાઢવાની ના પાડી અને પછી ઝપાઝપી કરી.

ત્યારે આ મામલે માણસા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના માણસાના ચડાસણા ગામે એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને આ દરમિયાન જાન લઈને પહોંચેલા પરિવારે વરઘોડા કાઢ્યો હતો. જો કે, વરઘોડો નીકળ્યો ત્યારે અજાણ્યા શખ્સોએ બાઇક પર પહોંચી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતાર્યો અને વરઘોડો કાઢવા બાબતે તેમની સાથે ગેરવર્તન કર્યું.

એટલું જ નહિ, વરરાજાનો વરઘોડો રોક્યા બાદ તેને ઘોડી પરથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત ડીજે વાળાને પણ ધમકાવીને ભગાડી મૂકાયો હતો. ત્યારે લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવાર દ્વારા માણસા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી અને પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી.

તસવીર સૌજન્ય : બીબીસી ન્યુઝ

જણાવી દઇએ કે, ચડાસણાની આ ઘટના જીગ્નેશ મેવાણીના વિરોધ બાદ કોંગ્રેસ અને આપે પણ વખોડી કાઢી હતી અને સરકારને કાર્યવાહી કરવાની માંગ કરી. પોલિસે જે લોકોની અટકાયત કરી છે, તેમાં શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશકુમાર જીવણજી ઠાકોર, સમીરકુમાર દિનેશજી ઠાકોર, અશ્વિનકુમાર રજૂજી ઠાકોરનો સમાવેશ થાય છે.

ત્યારે આ મામલે વરરાજાએ કહ્યુ કે- આ ઘટનાથી લગ્ન પ્રસંગમાં શોક જેવું વાતાવરણ છવાઇ ગયુ. વરરાજાની માતાએ કહ્યુ કે- ઘોડા, હાથી કે ગાડી પર બેસવાનો બધાનો અધિકાર છે. જે મારા છોકરા સાથે થયુ તે બીજાના છોકરા સાથે ન થવું જોઇએ.

Shah Jina