ગુજરાતમાં આવતા બે તહેવારો એક નવરાત્રી અને બીજી ઉત્તરાયણ દરેક ઉંમરના લોકોને ગમતા હોય છે, આ તહેવારોનો આનંદ જ કંઈક નોખો છે, નવરાત્રીના નવ દિવસો ગરબે ઘૂમવાનું અને ઉત્તરાયણના મહિના પહેલા અને મહિના પછી પતંગો ચગાવી મોજ કરવાના દિવસો.

નવરાત્રીની તો હવે વાત કરવામાં મઝા નહિ આવે કારણ કે થોડા સમય પહેલા જ આપણે નવરાત્રીને માણીને આવ્યા છીએ એટલો એનો આનંદ તો હજુ આંખોમાં ગરબા ગાતો હશે, પરંતુ વાત આજે આપણે ઉત્તરાયણના તહેવારની કરીએ શા કારણે ઉત્તરાયણ આટલી ખાસ હોય છે?

ઉત્તરાયણ એટલે મોટાભાગના લોકો માટે પતંગ ચગાવવી અને ધાબા ઉપર રહેવું સાથે ઊંધિયું જલેબી ખાવા, બરાબર ને? પરંતુ એ સિવાય પણ ઉત્તરાયણનું બીજું ઘણું મહત્વ રહેલું છે. ગામડામાં રહેતા લોકો આવી ઉત્તરાયણને સારી રીતે માણી હશે, હું મારા જ બાળપણની વાત કરીશ જે તમારા બાળપણમાં પણ થયું જ હશે.

આજે જોઈએ તો ઘણી આધુનિકતા ઉત્તરાયણના તહેવારોમાં પણ આવી ગઈ, પરંતુ હું જયારે નાનો હતો ત્યારે મારા માટે ઉત્તરાયણ કેટલાક કારણોના લીધે ખાસ હતી, ઉત્તરાયણની સવાર જ મારા માટે એક અનેરો આનંદ લઈને આવતી, સવારે જયારે મારી આંખો ખુલતી ત્યારે મારી આંખો ઉપર ગેસના ફુગ્ગા લટકતા હોય. પપ્પા સવારમાં જ ગામમાં આવેલા ગેસના ફુગ્ગા લાવી અને મારા ખાટલાની ઉપર જ છુટ્ટા મૂકી દેતા, જેને જોઈને હું ખુબ જ ખુશ થઇ જતો, આજે ઘણા બાળકોને એવો આનંદ માણવા નહિ મળતો હોય પરંતુ એક સમયે આવો આનંદ ઘણા લોકોએ માણ્યો પણ હશે. એક પાતળી દોરીથી એ ફુગ્ગા બાંધેલા હોય અને એને પકડીને નીચે ઉતારીએ પાછા છોડી દઈએ, ત્યારે એ ખબર નહોતી કે તે ગેસના કારણે ઊંચા જાય છે, પણ એ જયારે ઉપર જાય ત્યારે એક કૌતુક મળી રહેતું, ખુલ્લા આકાશમાં એ ફુગ્ગાઓને છુટ્ટા મૂકી તેને દૂર દૂર સુધી જતા જોવાનો એ લ્હાવો આજે પણ આંખો સામે ખડો થઇ જાય છે. આજના ચાઈનીઝ તુક્કલમાં જે મઝા નથી એનાથી બમણી મઝા એ સમયના ગેસના ફુગ્ગામાં અમને મળતી.

સવારે ઉઠીએ ત્યારે ધાબા વાળા ઘર અને પતરાવાળા ઘર ઉપર ટેપ ગોઠવાઈ જતી, ત્યારે તો પેન ડ્રાઈવ, મોબાઈલ, સીડી અને ડીવીડી તો આવ્યા પણ નહોતા. અલ્તાફ રાજા અને ફરીદા મીરના ગીતો એ સમયે ખુબ જ પ્રખ્યાત એમના ગીતોના તાલે પતંગ ચગાવનારાને પણ અનેરો આનંદ આવતો. મોટા અવાજમાં વાગતા એ ગીતોની મઝા આજના પૉપ અને રેપ સોન્ગમાં દૂર દૂર સુધી નથી આવતી.

ઉત્તરાયણનો બીજો આનંદ સવારે ઉઠ્યા પછી આવતો, ગામમાં ગાયોના ધણ લઈને ભરવાડ અને રબારીઓ પરોઢિયે જ આવી ગયા હોય અને દરેક ઘરમાં બાજરીની ઘુઘરી ગાય માટે બનતી હોય, સવારે મમ્મી સાથે ગાયને ઘુઘરી ખવડાવવા માટે જવાનું, મમ્મી ગાયની પૂજા કરે, તેને ચાંદલો કરે અને ઘુઘરી ગાયને ખવડાવે. ઘરે આવીને અમે પણ એ ઘુઘરી ખાઈએ. એ સમય જ કંઈક જુદો હતો જયારે ઉત્તરાયણની મઝા હતી.

ઉત્તરાયણના આગળના દિવસે જ મમ્મીએ માલપુઆ બનાવ્યા હોય, ધાબે કે પતરા ઉપર બેસીને એ ખાવાની મોજ આજે બજારના માલપુવામાં નથી આવતી. ઘરે બનતી ચીક્કી, તલના લાડુ વગેરેનો સ્વાદ હજુ પણ માણવા માટે જીભ લબલબ કરે છે. આખા દિવસના શોર-બકોર વચ્ચે પતંગ લૂંટવાની સાથે ચગાવવાનો જે આનંદ મળતો એ આજે બહુ માળી ઇમારત ઉપર ચઢીને પતંગોથી છવાયેલા આકાશ વચ્ચે પણ જાણે ફિક્કો લાગે.

તમે પણ જો આવા આનંદને મિસ કરતા હોય, તમે પણ જીવનમાં આવી ક્ષણોનો અનુભવ કર્યો હોય તો આ વાતને જરૂર શેર કરજો, તમારા એ દિવસોને શબ્દો દ્વારા કોમેન્ટ કરીને જીવવાની મઝા માણજો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.