સુરતની આ ફેમસ હોસ્પિટલ મફતમાં 750 બાળકોની સર્જરી કરશે…હાર્ટ, લિવર, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ફ્રી માં કરી આપશે

સમગ્ર દેશ સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે આ નિમિત્તે સુરતની જાણિતી કિરણ હોસ્પિટલ દ્વારા દેશના જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે એક ભગીરથ પ્રયાસ થઇ રહ્યો છે. કિરણ હોસ્પિટલ દ્વારા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ ઉપરાંત જન્મજાત જટીલ બીમારીઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 10 વર્ષની ઉંમર સુધીના 750 બાળકો જે જટીલ બીમીરાથી પીડાય છે

તેમની વિના મૂલ્યે સર્જરી કરવામાં આવશે અને સારવાર પણ આપવામાં આવશે. જણાવી દઇએ કે, આવા ઓપરેશનો દેશની જૂજ હોસ્પિટલો કરવા સક્ષમ હોય છે. આવા ઓપરેશનોનો ખર્ચ 25 લાખ રૂપિયા સુધી થતો હોય છે. ત્યારે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના 43 વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે, આ સર્જરીના ખર્ચને પહોંચી વળવા કિરણ હોસ્પિટલ દ્વારા મોટા ફંડની વ્યવસ્થા કરવી પડશે.

આ બાબતે પદ્મશ્રી મથુરભાઈ સવાણી જણાવે છે કે , 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં કિરણ હોસ્પિટલ ખાતે બાળકની પૂરી વિગત સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક મહિના દરમિયાન થયેલ રજિસ્ટ્રેશનના આધારે ડોક્ટર દ્વારા બાળકોનું નિદાન થશે અને જે તે મહિનામાં નંબર મુજબ તેઓની સર્જરી કરવામાં આવશે. જો કોઇ પરિવાર રૂબરૂ આવી શકે તેમ ન હોય તો કિરણ હોસ્પિટલની વેબસાઈટ અને ટેલિફોન નં. 0261-7161111 પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Shah Jina