ગુજરાતની ડાયરા ક્વીન તરીકે ઓળખાતી સિંગર રાજલ બારોટ હાલમાં જ 4 ફેબ્રુઆરીએ યુવા નેતા અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે. રાજલે ધૂમધામથી અલ્પેશ બાંભણિયા સાથે ફેરા લઈને પ્રભુતામાં પગલા પાડ્યા. લગ્ન મંડપમાં વરરાજા અલ્પેશ બાંભણિયા સાથે સાથે રાજલ બારોટની પણ રોયલ એન્ટ્રી કરવામાં આવી હતી. રાજલ લાલ ઘરચોળામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આતશબાજી સાથે લગ્નમંડપમાં રાજલ અને અલ્પેશનું સ્વાગત કરવામાં આવ્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. રાજલ બારોટ પોતાના લગ્નમાં સ્વર્ગસ્થ પિતા મણીરાજ બારોટેને યાદ કરી ઘણી ભાવુક થઈ ગઇ હતી. રાજલ બારોટની વિદાય પ્રસંગે રાકેશ બારોટ રડી પડ્યા હતા. રાજલ બારોટના લગ્નનમાં અનેક મોટા કલાકારો સહિત સગાસંબંધીઓએ હાજરી આપી હતી.
રાજલના પતિ અલ્પેશ બાંભણિયાની વાત કરીએ તો, તે કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાનો દીકરો છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તે ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે, તેઓ ઉના પાલિકાના કાઉન્સિર તરીકે પણ ચુંટાઈ આવ્યા છે.
લગ્ન પહેલા જ રાજલની હલદી સેરેમેનીનો વીડિયો સામે આવ્યો હતો. રાજલે ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. રાજલ અને આખો પરિવાર સહિત મિત્રો તેમજ સંબંધીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. રાજલ બારોટ તેની બહેનો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી અને તે રાજલ સાથે ડાંસ કરતી પણ જોવા મળી હતી.
રાજલના લગ્ન પૂર્વે ભવ્ય રાસ-ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો હતો. હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા ઉપરાંત કચ્છી કોયલ ગીતા રબારી, કાજલ મહેરિયા, જીગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ, અપેક્ષા પંડ્યા, અને દેવાયત ખવડ સહિત અનેક ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને ચાર દીકરીઓ છે, કોઇ ભાઇ ન હોવાથી રાજલ ભાઈ તરીકેની બધી ફરજ નિભાવે છે. રાજલે તેની ત્રણ બહેનાના લગ્ન કરાવ્યા અને કન્યાદાન પણ કર્યુ, આ ઉપરાંત રક્ષાબંધન પર રાજલ અને તેની બહેનો એકબીજાને રાખડી પણ બાંધે છે. રાજલ બારોટનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી, રાજલ હવે સિંગલમાંથી મિંગલ થઇ ગઇ છે. પાટણમાં જન્મેલી રાજલને ગાયકીની પ્રથમ તક તેના પિતાએ જ આપી હતી. પિતાના આશીર્વાદથી રાજલ હાલ લોકડાયરો અને સ્ટેજ પ્રોગ્રામ કરી રહી છે.
રાજલે જુલાઈ 2006માં પહેલીવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું. પિતાના પગલે ચાલી રાજલ હવે જાણિતુ નામ બની ગઇ છે. પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે ગાવાની શરૂઆત કરી હતી જો કે આજે તે ગુજરાતની જાણીતી સિંગર બની ગઈ છે. રાજલ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. તે છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સના 5 મિલિયનથી વધુ વ્યૂઅર્સ પણ નોંધાયા છે.