ખબર

લાજપોર જેલમાં બેઠા બેઠા હત્યારા ફેનિલે ક્રિષ્ના નામની છોકરીને ફોન કરીને એવું કહ્યું કે જજ પણ ચોંકી ઉઠ્યા

સુરતના ચકચારી ભરેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની અંદર હત્યારા ફેનિલને બસ હવે થોડા જ સમયમાં કોર્ટ દ્વારા સજા સંભાળવવામાં આવશે. કોર્ટ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, ત્યારે ગઇકાલના રોજ કોર્ટની અંદર ગ્રીષ્માના વકીલ અને બચાવપક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. ફેનિલને ફાંસીની સજા થાય અને તેને કેપિટલ પનિશમેન્ટ આપવામાં આવે તે માટે જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી.

તેમણે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે માનીલો કે જો આરોપીને ઓછી સજા થાય તો તેની ઉંમર અત્યારે 21 વર્ષની છે અને જયારે તે જેલમાંથી છૂટીને બહાર આવશે ત્યારે તેની ઉંમર 31 કે 35 વર્ષની હશે. જો તે બહાર આવશે તો તેને કાયદાનો ડર નહી રહે અને સમાજમાં પણ લોકો તેનાથી ડરશે. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયોને આધારિત નથી, આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને તેને ગણતરીપૂર્વક હત્યા કરી છે.

તેમણે આગળ એવું કહ્યુ હતુ કે, આરોપીએ ઓનલાઇન ફિલ્પકાર્ટ પરથી ચપ્પુ ખરીદવા માટે ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર કેન્સલ થયો એટલે તેને મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું. આરોપી હત્યાના દિવસે પણ ગ્રીષ્માને કોલેજમાં શોધવા માટે ગયો હતો. આ બનાવ પહેલા તેને તેની માનીતી ધરમની બહેન ક્રિષ્નાને પણ મેસેજ કરીને જણાવ્યું હતું. ગ્રીષ્માના વકીલે આગળ ઉમેર્યું કે દરેક વાલિયો વાલ્મીકિ નથી બની શકતો. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

તેમને એમ પણ જણાવ્યું કે આ આરોપી ભવિષ્યમાં પણ સુધરી શકે તેમ નથી. ભૂતકાળમાં તેને ઇનોવા કાર પણ ચોરી કરી હતી. આ ઉપરાંત ગ્રીષ્માની હત્યા કર્યા બાદ સહાનુભૂતિ મેળવવા પોતાને છરીના ઘા માર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કોર્ટે તેને અંતિમ તક આપી હતી તો ત્યારે તે કઈ બોલ્યો નહિ, તે એમ પણ બોલી શકતો હતો કે મારી ઉંમર નાની છે જેથી મારી ભૂલ થઇ ગઈ. પરંતુ તેનામાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી. તેને કોઈ વાતનો પસ્તાવો નથી અને જો તેને પસ્તાવો હોત તો ગ્રીષ્માના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં ચપ્પુ મારી લેતો.

આ ઉપરાંત નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ કે, ફેનિલના મિત્ર હરીશે લાફા મારીને ફેનિલને કહ્યું કે, આવું ન કરાય. જ્યારે તેના માતાએ કહ્યું કે અમે મરી જઈએ કે શું કરીએ ? તેવું વર્તન તે તેના માતા-પિતા સાથે કરતો હતો. અહીં કોર્ટમાં તેની તબિયત ખરાબ થવાનું કહી પોલીસવાનમાં બેસીને લાડું ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે કોર્ટે કહ્યું કે તને લક્ઝરી છૂટ આપવામાં નહીં આવે. આ તેનું વર્તન બતાવે છે. ક્રિષ્નાને ફોન કરીને જેલમાંથી કહેતો મારી ફેવરમાં જુબાની આપજે. આવા આરોપીને સમાજના પ્રવાહમાં ભેળવી શકાય તેવો નથી.

ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માના વકીલ દલીલ કરતા કરતા ગળગળા થઈ ગયા હતા અને ગ્રીષ્માનો પરિવાર તો કોર્ટ રૂમમાં રડી પડ્યો હતો.સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, જો આરોપી ફેનીલને કડક સજા નહીં કરવામાં આવે તો કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. જણાવી દઇએ કે, 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની સરાજાહેરમાં ગળુ કાપી હત્યા નિપજાવી દીધી હતી. આ કેસમાં ઘણા સમયથી ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યુ હતુ અને 6 એપ્રિલે કોર્ટમાં દલીલો પૂર્ણ થઇ હતી. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગ ગ્રીષ્માના પરિવારજનો કરી રહ્યા છે.

સુરતમાં થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં હાલ ડે ટુ ડે ટ્રાયલ ચાલુ છે અને કોર્ટની અંદર ઘણા બધા સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી ગઈ છે, આ દરમિયાન ઘણા બધા નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એક ચોંકાવનારો મામલો પણ સામે આવ્યો છે, જેને લોકોને પણ હેરાન કરી દીધા છે.

જેલમાં બંધ હત્યારા ફેનિલે જેલની લેન્ડલાઈન ઉપરથી ક્રિષ્ના નામની એક યુવતીને ફોન કરીને તેના પક્ષમાં જુબાની આપવા માટે જણાવ્યું હતું, પરંતુ ક્રિષ્નાએ આ બાબતની જાણ પોલીસ અધિકારીને કરી દેતા આ સમગ્ર મામલો બહાર આવી ગયો હતો. ક્રિષ્ના નામની આ યુવતીને ફેનિલે પોતાની બહેન માની હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર ગત બુધવારના રોજ ફેનિલે લાજપોર જેલની ઓથોરિટીને જણાવ્યું હતું કે તે તેની બહેનને ફોન કરવા માંગે છે, જેના બાદ સત્તાધીશ દ્વારા ફેનિલને પરવાનગી આપવામાં આવી હતી, આ દરમિયાન ફેનિલે તેની માનીતી બહેન ક્રિષ્ના સાથે ફોન ઉપર વાત કરી હતી.

જેમાં ફેનિલે કહ્યું હતું કે “આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારા પક્ષમાં જુબાની આપજે.” ક્રિષ્નાએ આ વાત અધિકારીને જણાવતા અને પછી કોર્ટમાં પણ સામે આવતા સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ત્યારે આ મામલાને લઈને મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કનો દૂરઉપયોગ કર્યો હોવાના કારણે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ફેનિલની માનીતી બહેન ક્રિષ્નાએ કોર્ટમાં જુબાની આપતા જણાવ્યું હતું કે ફેનિલ પહેલાથી જ ગ્રીષ્માની પાછળ પડ્યો હતો. ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી નહોતી, તે છતાં પણ ફેનિલ તેની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરતો હતો. ફેનિલ જયારે પણ કોલેજની બહાર ક્રિષ્નાને મળતો ત્યારે “હું પેલીને મારી નાખવાનો છું.” એમ કહેતો હતો. જે દિવસે ગ્રીષ્માની હત્યા કરી તે દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી અને જણાવ્યું હતું કે તે ગ્રીષ્માની હત્યા કરવાનો છે.

પરંતુ ક્રિષ્નાએ આ વાતને મજાકમાં સમજી લીધી, કારણ કે અગાઉ પણ ફેનિલ આવું ઘણીવાર બોલી ચુક્યો હતો, પરંતુ જયારે બીજા દિવસે સમાચારપત્રો અને ન્યુઝ ચેનલમાં આ ઘટના વિશે ક્રિષ્નાએ જાણ્યું ત્યારે તે પણ હેરાન રહી ગઈ હતી. ક્રિષ્નાની જુબાનીથી કોર્ટમાં બેઠેલા લોકો પણ હેરાન રહી ગયા હતા.