સોશિયલ મીડિયાના દુરુપયોગના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, જેમાં ઘણીવાર આપણે આપણું એકાઉન્ટ નથી બનાવતા પરંતુ કોઈ બહારનો વ્યક્તિ જ આપણા નામનું એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરતા હોય છે. ખાસ કરીને આવા ઠગીઓ મહિલાઓના નામના એકાઉન્ટ બનાવતા હોય છે અને તેમની તસવીરો પણ શેર કરતા હોય છે.

આવો જ એક કિસ્સો હાલ સુરતના કતારગામમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 33 વર્ષીય પરણિત મહિલાનું ફેસબુક એકાઉન્ટ બનાવી તેની તસવીરો પણ અપલોડ કરવામાં આવી અને એ ફેક એકાઉન્ટ દ્વારા જ તેના સસરાને પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.

જ્યારે સસરાએ તેમની વહુના નામનું એકાઉન્ટ જોયું અને તેનું સ્ટેટ્સ ચેક કર્યું તો તેમાં વહુની તસ્વીર હતી અને તેમાં “I LOVE YOU MY JAAN” પણ લખેલું હતું. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પરિણીતા ફોનનો ઉપયોગ કરતી જ નથી અને કોઈ સોશિયલ મીડિયા ઉપર તેને કોઈ એકાઉન્ટ બનાવ્યું જ નથી. ત્યારબાદ પતિએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી અને ખોટા એકાઉન્ટ બનાવી મહિલાઓને બદનામ કરવાના કાવતરા કરતા ઠગીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.