આપણું ગુજરાતી સિનેમા ખુબ જ વિશાળ છે, જેમાં ઘણી બધી ફિલ્મો આવી અને ગઈ. ઘણી એવી ફિલ્મો પણ હતી જે દર્શકોના દિલમાં વસી ગઈ અને હંમેશા માટે યાદગાર પણ બની ગઈ. ગુજરાતી ફિલ્મોને સફળ બનાવવામાં ઘણા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, ઘણા એવા લોકો પણ છે જે હોય છે પડદા પાછળ પરંતુ ખુબ જ મોટું કામ કરતા હોય છે. ત્યારે આજે અમે એવા જ એક વ્યક્તિની વાત તમને કરવાના છીએ.
આપણે બધા ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાને તો બહુ જ સારી રીતે ઓળખીએ છીએ, પરંતુ આજે અમે તેમની નહિ પરંતુ રીવાબાના ભાઈ અને રવિન્દ્ર જાડેજાના સાળા એવા શત્રુજ્ઞસિંહ સોલંકીની વાત કરવાના છીએ. જે હવે આગામી ગુજરાતી ફિલ્મમાં ખુબ જ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
શત્રુજ્ઞસિંહ આવનારી ગુજરાતી ફિલ્મ “હલકી ફુલકી“ના યંગ પ્રોડ્યુસર અને આ ફિલ્મમાં એક સિંગર તરીકે જોડાયા છે. આ ફિલ્મની કહાની એકદમ અલગ છે, ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા શત્રુજ્ઞસિંહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી અને આ ફિલ્મના જોડાણથી લઈને ફિલના અનુભવ વિશે અમે તેમને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દ્વારા સવાલ જવાબ કર્યા હતા.
“હલકી ફુલકી” ફિલ્મમાં તેઓ પ્રોડ્યુસર ઉપરાંત એક ગીત પણ ગાઈ રહ્યા છે, જેના શબ્દો છે “ચાય ગરમ” આ ગીતમાં તેમને પોતાનો અવાજ આપ્યો છે, ત્યારે તેને લઈને જ અમે તેમને પહેલો સવાલ કર્યો હતો કે, “શું તમારું આ પહેલું ગુજરાતી ગીત છે એક ગાયક તરીકે ?” ત્યારે તેના જવાબમાં શત્રુજ્ઞસિંહે “હા” કહ્યું હતું. અમારા બીજા સવાલમાં અમે શત્રુજ્ઞસિંહને પૂછ્યું કે “એક યંગ પ્રોડ્યુસર તરીકે તમારો અનુભવ જણાવો..” ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે, “મારો આ પહેલો અનુભવ ખુબ જ સારો રહ્યો, ઘણું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું. આ ફિલ્મના કાસ્ટમાં બહુ જ સારા કલાકારો પાસે રહીને એક સારો અનુભવ મળ્યો છે. આગળના સવાલમાં અમે તેમને પૂછ્યું કે, “ફિલ્મ જગતમાં આવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો ?” ત્યારે જવાબ આપતા શત્રુજ્ઞસિંહે જણાવ્યું કે “મે એક નાની ઉંમરમાં જ નક્કી હતું કે ઇન્ડસ્ટ્રીમાં આવવું છે. નાનપણથી જ ફિલ્મો જોવાનો ખુબ જ શોખ હતો, કોઈપણ નવી ફિલ્મ આવે તો મિત્રો સાથે થિયેટરમાં જોવા માટે જવું, એ શોખ પહેલાથી જ હતો.
“હલકી ફુલકી” ફિલ્મના ગીત વિશે સવાલ કરતા શત્રુજ્ઞસિંહને અમે પૂછ્યું કે “ગુજરાતી તથા હિન્દી ચાહકોને આપનું ગીત “ચાય ગરમ” ખુબ જ પસંદ આવ્યું છે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય છે ?” જેના જવાબમાં તેમને કહ્યું કે, “આ જોઈને મને ખુબ જ ખુશી થાય છે કે ચાહકોએ મારા આ ગીતને ખુબ જ પસંદ કર્યું. પરંતુ હજુ પણ હું વધુ સારું કરતો રહીશ અને વધુ સારી પર્ફોમન્સ પણ આપતો રહીશ. જેના દ્વારા કોઈપણ ભૂલ થઇ હોય એને દૂર કરી શકું અને હજુ વધુ સારું કરી શકું.
શત્રુજ્ઞસિંહને અમે એમ પણ સવાલ કર્યો કે “આજના જે યંગસ્ટર છે, જે સોશિયલ મીડિયા અને અલગ અલગ એપ ઉપર ગીતો ગાતા હોય એ લોકોને તમે શું સંદેશ આપવા માંગશો ?” ત્યારે આ સવાલનો જવાબ તેમને ખુબ જ સુંદર રીતે આપ્યો હતો અને કહ્યું હતું કે, “તમે સોશિયલ મીડિયા અને કોઈ એપ દ્વારા ગાવ. પરંતુ એ ફક્ત તમારા આંતરિક આનંદ માટે જ સારું છે. અને હું પણ એજ વાત કહીશ કે જે મેં મારા ગુરુજી પાસે જાણેલી છે. મારા ગુરુ એવા કુમાર પંડ્યા સાહેબનો આ જગ્યા ઉપર પહોંચવામાં ખુબ જ મોટો ફાળો છે. હું જે પણ કઈ સંગીત વિશે જાણું છું સમજુ છું તેમાં તેમનું ખુબ જ મોટું યોગદાન છે. જો તમે તમારી જાતને પ્રોફેશનલ સિંગર તરીકે જોવા માંગતા હોય તો તમારે તમારું કામ પણ એ રીતે આપવું પડે. એપને એ બધા ઉપર ગાવું એ હકીકત નથી. સારું એજ છે કે તમે રિયાઝ કરો, તમે તમારી ખામી અને ગુણોને સમજો તેના ઉપર વધારે સારું કામ કરો.”
અમારા આગળના સવાલમાં અમે તેમને “ફિલ્મના શૂટિંગ અને ખાસ તમારા આ ગીતના શૂટિંગ દરમિયાન તમારો અનુભવ અને કોઈ એવી ઘટના જે તમારા માટે એક યાદગાર ક્ષણ બની ગઈ હોય તેના વિશે જણાવવાનું કહ્યું”, જેના જવાબમાં તેમને કહ્યું કે, “મારા જીવનનો આ પહેલો અનુભવ હતો અને કોઈપણ વ્યક્તિનો પહેલો અનુભવ ખુબ જ ખાસ હોય છે, મારા માટે પણ આ અનુભવ ખુબ જ ખાસ હતો. અને વાત કરું મારા ગીતની તો સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ કરવાનો પણ આ મારો પહેલો અને ખુબ જ ખાસ અનુભવ હતો. આ દરમિયાન થોડી નર્વસનેસ પણ હતી અને થોડી એક્સાઇટમેન્ટ પણ હતી.અને આ બધા અનુભવ ખુબ જ ખાસ અને યાદગાર હતા. જે જીવનભર યાદ રહેશે.
શત્રુજ્ઞસિંહને અમે તેમના ભવિષ્યના સપના વિશે પણ સવાલ કર્યો ત્યારે તેમને જણાવ્યું કે, “મારા સપના તો ઘણા છે જેની કોઈ લિમિટ ના હોય, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા સપના પૂર્ણ કરવા માટે હું પૂરતો એફર્ટ આપું છું. મારા ગોલ પૂર્ણ કરવા માટે જ હાર્ડવર્ક પણ કરું છું અને કરતો રહીશ.”
“આ ફિલ્મના ડાયરેક્ટર જયંત ગિલેટર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?” આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું કે, “જયંત સાહેબ સાથે કામ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો, તેમનું જે કામ છે તે ખુબ જ યુનિક છે. તેમનું કામકાજ ખુબ જ સાદગી ભરેલું છે. તેમના કામમાં તે ડિસિપ્લીન અને ડેડિકેશનમાં માને છે. ગમે તે પરિસ્થિતિમાં તેઓ કામ કરે છે અને મને પણ તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું.”
અમારા છેલ્લા સવાલમાં અમે તેમને પૂછ્યું કે, “હલકી ફુલકી ફિલ્મ દર્શકો માટે ક્યાં કારણે ખાસ બની રહેશે, તમારા અનુભવ પ્રમાણે જણાવો !” જેના જવાબમાં શત્રુજ્ઞસિંહે કહ્યું કે, “આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. કંઈક નવું લઈને આવ્યા છીએ અમે. દસ અભિનેત્રીઓ સાથે એક નવી જ વાર્તા લઈને આવી છે આ ફિલ્મ જે આજ પહેલા કયારેય નહીં આવી હોય. આ ફિલ્મ મહિલા સશક્તિકરણ ઉપર ખુબ જ સારો સંદેશ લઈને આવી છે. બસ હવે એજ ઈચ્છા છે કે દર્શકોને પસંદ આવે આ ફિલ્મ.”