અમદાવાદ : બોપલ એસ.પી રિંગ રોડ પર ભારે અકસ્માત થાર-ફોર્ચ્યુનર વચ્ચે 3ના કમકમાટીભર્યા મોત
અમદાવાદ: શહેરના બોપલ એસપી રિંગ રોડ પર બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બનાવની જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની તસવીર અને વીડિયો પણ સામે આવ્યા છે, જેન પરથી અંદાજો લગાવી શકાય છે કે બંને કાર વચ્ચેની ટક્કર કેટલી જોરદાર હશે. અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એટલું જ નહીં, અકસ્માત બાદ ફોર્ય્યુનર કારમાંથી દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
થાર કારમાં સવાર મૃતક
અજિત ભરત કાઠી
મનીષ ભગવતીપ્રસાદ ભટ્ટ
ફોર્ચ્યુનર કારમાં સવાર મૃતક
ઓમપ્રકાશ ઉ.વર્ષ 37
ઇજાગ્રસ્ત
રાજેન્દ્ર સાહુ
કેવી રીતે થયો અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે સોમવારે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ આવી રહી હતી. તે જ સમયે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા બંને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં થારમાં સવાર અજિત કાઠી અને મનીષ ભટ્ટનું મોત થયું હતું, જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર ઓમપ્રકાશ પણ મોતને ભેટ્યો હતો. જે ઓમપ્રકાશ બુટલેગર હોવાનું સામે આવ્યું છે. કારણ કે, ફોર્ચ્યુનરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ અકસ્માતમાં રાજેન્દ્ર સાહુ નામના વ્યક્તિને ઈજા થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચયુનર કારમાં રહેલા મૃતદેહને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. રેસ્ક્યૂ ટીમે કારનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં થારનું પડીકું વળી ગયુ અને ફોર્ચ્યુનરને આગળના ભાગે મોટું નુકસાન થયું છે. પોલીસે બંને કાર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.