EXCLUSIVE: આણંદમાં રહેતી આ દીકરીએ જાણો કેવી રીતે પુરી કરી પાયલોટ બનવા સુધીની સફર, સફળતાની કહાની જાણીને તમને પણ ગર્વ થશે

આજે ઘણા યુવાનો મોટા મોટા સપના જોતા હોય છે, પરંતુ બહુ ઓછા યુવાનો હોય છે જે પોતાના સપનાને હકીકતમાં બદલવા માટે મહેનત કરતા હોય છે અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચતા હોય છે.  ત્યારે હાલ એવી જ એક ગુજરાતની દીકરીની કહાની સામે આવી છે, જેને પાયલોટ બનાવ સુધીની સફર પાર કરી છે.

આ કહાની છે મૂળ અરવલ્લીના પરસોડાગામની અને હાલ વિદ્યાનગર આણંદ ખાતે રહેતી રચના પટેલની. જેમને 8માં ધોરણથી જ પાયલોટ બનવાનું સપનું જોયું હતું અને પોતાની સખત મહેનત અને લગનથી પોતાનું આ સપનું સાકાર પણ કર્યું. ગુજ્જુરોક્સની ટીમ દ્વારા તેમના આ સપનાને કેવી રીતે ઉડાન મળી તે અંગે ખાસ વાતચીત કરવામાં આવી.રચના પટેલને અમે પૂછ્યું કે, “આપે પાયલોટ બનવાનું સપનું ક્યારે જોયું ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે “પયાલોટ બનવાનું  સપનું નાનપણથી જ ધોરણ-8માં ભણતી ત્યારે જ જોયું હતું. સમાચારમાં અવારનવાર જોયું ત્યારથી મને વિચાર આવ્યો કે મારે કંઈક અલગ કરવું છે.

અમારા આગળના સવાલમાં અમે પૂછ્યું કે, “આ સપનાને પૂર્ણ કરવા માટે તમે કેવી મહેનત કરી ?” ત્યારે તેમને જવાબ આપ્યો કે, “પહેલા ગુજરાત ફ્લાઈંગ ક્લબ વડોદરામાં એડમિશન લીધું. 6 પેપર ક્લિયર કર્યા. ફલાઇંગ કરતા કરતા અમુક પેપર દિલ્હી ક્લાસીસ કરીને પૂર્ણ કર્યા. હું દરરજો આણંદથી વડોદરા કાર દ્વારા અપડાઉન કરતી. ક્યારેક 6-7 વાગે ફ્લાઈંગ હોય તો 4 વાગે ઉઠીને પણ જવું પડે. ફલાઈટના 2 કલાક પહેલા ત્યાં પહોંચવું પડે.

રચના પટેલને અમે પૂછ્યું કે, “પાયલોટ બનાવ માટે આર્થિક રીતે કેવી રીતે મદદ મળી ?” ત્યારે તેમને કહ્યું કે , “મારા પિતા એક બિઝનેસમેન છે અને મમ્મી ગવર્મેન્ટ ટીચર. જેના કારણે આર્થિક રીતે કોઈ તકલીફ નથી પડી. મારા મમ્મી પપ્પાએ મારો ખુબ જ સપોર્ટ કર્યો. એમને મને કોઈ દિવસ કોઈ તકલીફ પડવા નથી દીધી.”

તાલીમ દરમિયાનના પણ ત્યાંના અનુભવ વિશે અમે તેમને પૂછ્યું ત્યારે તમેને કહ્યું કે,”અનુભવ ખુબ જ સારો રહ્યો. બધાનો બહુ જ સપોર્ટ પણ મળ્યો. આ તાલીમ એટલી સરળ પણ નથી જેટલી બધાને બહારથી લાગે છે. સપનાને પૂર્ણ કરવા માટે ગમે તે કરવું પડે. તમારે સમયસર પહોંચવું પડે. ફલાઇટ પહેલા પણ ઘણું કામ હોય. વાતાવરણ ચેક કરવાનું, અલગ અલગ ઇન્સ્ટ્રકટર સાથે ફલાઇંગ કરવું એની તૈયારી કરવાની. પરંતુ બધા જ ઇન્સ્ટ્રકટર ખુબ જ સપોર્ટિવ રહ્યા. હા ઘણીવાર રડી જવાય એવી રીતે લડતા પણ ખરા પરંતુ આ બધું સારા ફ્યુચર માટે જ છે. માટે ટ્રેનિંગનો સમય ખુબ જ યાદગાર રહ્યો.

અમે તેમને ટ્રેનિંગમાં બનેલી કોઈ યાદગાર ઘટના વિશે પણ સવાલ કર્યો, જેના જવાબમાં તેમને કહ્યું કે બે દિવસ એવા છે જે મારા માટે યાદગાર બની ગયા. પહેલો એ કેજે દિવસે મારી પહેલી ટ્રેનિંગ ફલાઇટ શરૂ થઇ. આ દિવસે મારા સપનાની પહેલી ઉડાન હતી. બીજો એ દિવસ જે દિવસે ઘણી મહેનત કરીને તમારા કોન્ફિડેન્સ, ઇન્સ્ટ્રકટરની મહેનત પછી મળે છે એ પહેલી સોલો ફલાઇટ. એ દિવસે આખી ફલાઇટમાં કોઈ ના હોય અને તમારે એકલાએ જ ફલાઇટ લઈને જવાનું છે. એ બહુ જ ઈમ્પોર્ટન્ટ દિવસ હતો મારા માટે.”

રચના પટેલને અમે આગળનો સવાલ પૂછ્યો કે, “પાયલોટ બનવા પાછળ તમારું પીઠબળ બનીને ઉભી રહી હોય એવી વ્યક્તિ કોણ ?” ત્યારે જવાબમાં તેમને જણાવ્યું કે “મારી સાથે હંમેશા મારા મમ્મી પપ્પા ઉભા રહ્યા. મારા પપ્પાએ એકપણ દિવસ મોડું કર્યા વગર મારી બધી જ ફી ભરી દીધી. મારી મમ્મી ટીચર છે પણ રોજ અમર ફ્લાઈંગ સ્કૂલ જતા પહેલા મારા માટે બ્રેકફાસ્ટ તૈયાર કરતી. કોઈવાર સવારે 3.30 વાગે ઉઠીને પણ મારા માટે નાસ્તો તૈયાર કરતી.”

તેમને આગળ જણાવ્યું કે મારા સપના તરફ આંગળી ચીંધનાર મારા ભાભી છે. હું જયારે 12માં ધોરણ પછી 2 જા વર્ષમાં ફેશન ડિઝાઇનિંગ કરતી હતી ત્યારે મારા ભાભીએ ગુજરાત ફલાઇંગ ક્લ્બની જાહેરાત મને બતાવી.એ સમયે તો મારી ફિલ્ડ જ એકદમ અલગ હતી અને મનમાં પણ હવે પાયલોટ બનવાનું સપનું હતું પણ અંદર જ રહી ગયું હતું. મેં પપ્પાને વાત કરી અને અમે મળવા ગયા અને પછી બધું જ ફાઇનલ થઇ ગયું અને મેં મારા સપના તરફ આગળ ઉડાન ભરી.
મને આંગળી ચીંધનાર મારા ભાભી છે જે હાલ અમારી Grill House Barbeque રેસ્ટોરન્ટ સંભાળે છે. અને ત્યારબાદ મને આગળ લઇ જનાર મારા મમ્મી અને પપ્પા છે એમના લીધે જ હું અહીં પહોંચી શકી. મારા ભાઈ નો પણ સપોર્ટ સારો રહ્યો સ્ટડીમાં. મારા મંગેતરનો સપોર્ટ રહ્યો મને પ્રોત્સાહિત કરવા માટે મને બધાની સાથે કોંપીટીશનમાં કેવી રીતે રેહવું અને આગળ જવું લાઈફમાં એમને ઘણું શીખવ્યું.

રચના પટેલને અમારો છેલ્લો સવાલ હતો કે, જે યુવાનો પાયલોટના ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, તેમના માટે તમે શું સલાહ આપશો ?” ત્યારે જવાબમાં તેમને કહ્યું કે, “હું બધાને એમ જ કહીશ કે જીવન ફક્ત સપના જોવા માટે નથી, જીવન સપનાની સાથે ચાલવા માટે છે. સપનાને તમારું જીવન બનાવવા માટે તમારો આત્મવિશ્વાસ, તમારી મહેનત અને તમારા સાથ આપનાર પરિવારની જરૂર છે. જીવનમાં ઘણી મુશ્કેલી આવશે. જેમ રોડ ઉપર સ્પીડ બ્રેકર આવે છે એમ, બસ તેને ક્રોસ કરવાના છે.. આ ફિલ્ડમાં આગળ વધવા માટે કોઈને પણ મારી જરૂર હશે તો હું ચોક્કસથી માર્ગદર્શન આપીશ !”

Niraj Patel