ખબર

ગોંડલમાં દીકરાની અણધારી વિદાયથી તૂટી ગયા પિતા, વરરાજાની જેમ તૈયાર કરીને આપી અંતિમ વિદાય

આપણે જોયું છે કે એક દીકરો પોતાનીએ પિતાની અર્થીને કાંધો આપતો હોય છે, પરંતુ એક જુવાન જોધ દીકરાની અર્થીને કાંધો આપવો એક પિતા  દુઃખદ હશે તેની માત્ર કલ્પના શુદ્ધાથી જ હૃદય દ્રવી ઉઠે. આવી જ એક ઘટના ગોંડલમાં બની છે જ્યાં જુવાન જોધ દીકરાનું નિધન થતા પિતાએ દીકરાને વરરાજાની જેમ શણગારી અને અંતિમ વિદાય આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના શ્રીરામ બિલ્ડર્સ વાળા મનસુખભાઇ ચૌહાણના એકના એક 25 વર્ષીય પુત્ર અજયને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું નિધન થયું હતું. અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. મનસુખ ભાઈ અને ચૌહાણ પરિવારે લગ્નની તૈયારીઓ પણ આરંભી દીધી હતી. પરંતુ કુદરત ને જાણે કંઈક બીજુ જ મંજૂર હોય તેમ અજયને નાની ઉંમરમાં પોતાની પાસે બોલાવી લીધો.

પિતા મનસુખ ભાઈની ઇચ્છા હતી કે દીકરાને વરરાજાની જેમ શણગારીને અંતિમ વિદાય આપવામાં આવે. અજયના પાર્થિવદેહને વરરાજાની જેમ તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢી હતી. બહેને ચોધાર આંસુ સાથે ભાઇની પીઠી ચોળી ભારે હૈયે વિદાય આપી હતી.

અજયને નવડાવીને વરરાજાની જેમ તૈયારકરવામાં આવ્યો હતો. તેમજ હાથમાં મીંઢળ બાંધી બહેનએ પીઠી ચોળી ગુલાબના ફુલનો હાર પહેરાવ્યો હતો. અતર છાંટીને એકદમ વરરાજાની જેમ તૈયાર કર્યા બાદ સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. શાંતિરથને પણ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. સ્મશાનયાત્રા તેમના ઘરે ખોડિયારનગરમાથી નીકળી સ્મશાન સુધીના રસ્તામા ફુલોથી મહેકાવેલો હતો.સ્મશાનયાત્રા દરમિયાન આજુબાજુના તમામ રહીશોની આંખોમા આંસુ છલકાતા જોવા મળ્યા હતા.

અજય તેમના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. અજયના લગ્ન ગોંડલના માંડણકુંડલા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનભાઈ મોરીની પુત્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. તેના લગ્ન પહેલા 21-05-2021ના રોજ રાખવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે ધામધૂમથી લગ્ન થઇ શકે એમ ના હોવાના કારણે તેના પિતાની ઈચ્છા મુજબ ધામધૂમથી લગ્ન કરવાના હોવાથી લગ્ન દિવાળી પછી કરવા બન્ને વેવાઈ સહમત થયા હતા. પરંતુ લગ્નના દિવસે ઘોડી ઉપર ચઢે એ પહેલા જ અજયને ચિતાએ ચઢવું પડ્યું હતું.