ખાટુશ્યામ મંદિરમાં રાતથી જ લોકો ઊભા હતા લાઇનમાં, પટ ખુલતાની સાથે જ મચી ગઇ નાસભાગ, 3 મૃત્યુ, જુઓ અંદરની તસવીરો

સોમવારે સવારે રાજસ્થાનના સીકરના ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 મહિલાઓના મોત પણ નિપજ્યા હતા. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. એકાદશી નિમિત્તે દર્શન માટે ભક્તોની ભારે ભીડ હતી ત્યારે સવારે 5 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. મોડી રાતથી જ દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. ત્યારે સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ લોકો વચ્ચે નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં જે મહિલાઓના મોત થયા છે, તેમાંથી એકનું નામ શાંતિ દેવી છે.

જયારે બંનેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહોને ખાટુશ્યામજી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આ ઘટના અંગે કહ્યું કે ખાટુશ્યામજીમાં નાસભાગમાં ભક્તોના મોતથી તેઓ દુખી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ મહિલાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

જે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે તેમનું નામ શિવચરણ, મનોહર, કરનાલના ઇન્દ્રા દેવી, અલવરના અનોજી છે. મનોહરની હાલત નાજુક છે. તેને જયપુર રેફર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલિસ અનુસાર, મંદિરની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ લોકો ધક્કો મારીને આગળ વધવા લાગ્યા. નાસભાગના સમાચાર મળતા જ પોલીસની ટીમ મંદિરે પહોંચી હતી અને પરિસ્થિતિને સંભાળી હતી. મંદિરમાં નાસભાગ બાદ હવે દર્શન ફરી શરૂ થયા છે.

નોંધનીય છે કે કોરોના કાળ બાદ હવે ખાટુશ્યામમાં દર મહિને યોજાતા માસિક મેળામાં ભક્તોની સંખ્યા લાખોમાં રહી છે.પરંતુ મંદિરનો વિસ્તાર ઓછો હોવાને કારણે અને પર્યાપ્ત દર્શનની સુવિધાના અભાવે અહીં છૂટાછવાયા અકસ્માતો થતા રહે છે. જણાવી દઇએ કે, આ મંદિર રાજસ્થાનના શેખાવતીના સીકર જિલ્લામાં આવેલું છે. દર વર્ષે વિશ્વના ખૂણે-ખૂણેથી કરોડો ભક્તો અહીં પહોંચે છે અને શ્યામ બાબાના દર્શન કરે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, તેનો શિલાન્યાસ વર્ષ 1720માં કરવામાં આવ્યો હતો. મંદિરના આ પરિસરમાં દર વર્ષે બાબા ખાટુ શ્યામનો પ્રખ્યાત મેળો ભરાય છે.

Shah Jina