ગુજરાતમાંથી ઘણીવાર ગોઝારા અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ પંચમહાલમાં શુક્રવારનો દિવસ ગોઝારો બન્યો હતો. ગોધરાના ગોલ્લવ ગામ પાસે આવેલ ITIની નજીક ઇકો કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા જ્યારે બે ગંભીર ઇજાગ્રસ્ત છે.
આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હતા જ્યારે બેના સારવાર દરમિયાન મોત થયા હતાં. જણાવી દઇએ કે, ઈકો કારમાં કુલ 7 લોકો સવાર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતકો અને ઈજાગ્રસ્તો છોટાઉદેપુરના કર્ણાવટ ગામના હોવાનું સામે આવ્યુ છે. ગોધરાના ગોલ્લવ પાસે છોટાઉદેપુરથી જઈ રહેલી ઇકો ગાડીને સામેથી બેફામ આવતાં ટેન્કરે અડફેટે લીધી અને જેને કારણે ગાડીમાં સવાર સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.
જેમાં ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં જ્યારે બે લોકોની હાલત અતિગંભીર હોવાને કારણે તાત્કાલિક 108 દ્વારા દેવગઢ બારિયા ખાતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ દરમિયાન સારવાર પહેલાં એક ઈસમનું 108માં જ મોત નીપજ્યું. જ્યારે સારવાર દરમ્યાન વધુ એકનું મોત થયું.