IPL ને કારણે જસપ્રીત બુમરાહની ફિટનેસ થઇ ખરાબ ? પૂર્વ દિગ્ગજે BCCI અને MI ને ગણાવી જવાબદાર
જસપ્રીત બુમરાહને બધી મેચ રમવી જોઇતી હતી, IPL ની વિકેટોને કોન યાદ રાખે છે…પૂર્વ ક્રિકેટરનું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમમાં આજકાલ વર્કલોડ મેનેજમેન્ટ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ચર્ચાનું કેન્દ્ર છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પૂર્ણ થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બુમરાહ માત્ર 3 માં મેદાનમાં ઉતર્યો હતો. આ કારણે તેની ટીકા પણ થઈ હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું હતું કે બુમરાહને આ પ્રવાસમાં બધી ટેસ્ટ મેચ રમવી જોઈતી હતી. આ દરમિયાન હવે ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન દિલીપ વેંગસરકરે પણ બુમરાહ અને વર્કલોડ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

આ સાથે, તેમણે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. વેંગસરકર માને છે કે વર્કલોડને કારણે બુમરાહને બે મેચથી દૂર રાખવો એ યોગ્ય નિર્ણય નહોતો. જો BCCI એ બુમરાહને IPL 2025 માં રમવાથી રોક્યો હોત તો તેને વર્કલોડની જરૂર ન પડી હોત. આવી સ્થિતિમાં, તેમનું નિવેદન હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. કારણ કે બુમરાહ પણ ઈજાને કારણે IPL માં જોડાવામાં મોડું થયું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને, BCCI, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે તેમને IPL 2025 થી દૂર રહેવાનું કહેવું જોઈતું હતું, પરંતુ એવું થયું નહીં. તે પોતાની પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ પણ થયો ન હતો અને IPL રમવા ગયો હતો.’ તેમણે કહ્યું, ‘જો હું મુખ્ય પસંદગીકાર હોત, તો મેં મુંબઈ ઈન્ડિયન્સ અને બુમરાહને IPL થી દૂર રહેવા માટે મનાવી લીધા હોત, કારણ કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે બુમરાહની ફિટનેસ મહત્વપૂર્ણ હતી.

IPLમાં બનાવેલા રન અને વિકેટો કોને યાદ છે ? જો કે, લોકો આ શ્રેણીમાં મોહમ્મદ સિરાજનું શાનદાર પ્રદર્શન, શુભમન ગિલ, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતની શાનદાર બેટિંગ અને વોશિંગ્ટન સુંદરનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન યાદ રાખશે.’જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહને IPL 2025માં મોટી રકમ મળે છે. આ ખેલાડીને દર સીઝનમાં 18 કરોડ રૂપિયા મળે છે. આ ખેલાડી IPL 2025માં બધી મેચ રમ્યો ન હતો. બુમરાહએ IPL 2025માં 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. તેનો ઇકોનોમી રેટ ફક્ત 6.6 હતો.
