સિનેમા જગતમાંથી સતત દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હવે વધુ એક પ્રખ્યાત અભિનેતાનું નિધન થતાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર દિલીપ શંકર એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. જો કે અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ હાલ તપાસમાં લાગેલી છે. મલયાલમ ઇન્ડસ્ટ્રીના અભિનેતા દિલીપ શંકરનો મૃતદેહ રવિવારે તિરુવનંતપુરમની એક હોટલમાંથી મળી આવ્યો હતો. જ્યાં તેમણે 19 ડિસેમ્બરે ચેક-ઈન કર્યું હતું.
મલયાલમ ટેલિવિઝનની દુનિયામાં દિલીપ એક જાણીતું નામ હતું, ત્યારે તેમના આકસ્મિક મૃત્યુથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલીપ શંકરે હોટલમાંથી ચેકઆઉટ કર્યું ન હતું અને ન તો કોઈનો સંપર્ક કર્યો હતો. અભિનેતાના રૂમમાંથી દુર્ગંધ આવતા હોટલના સ્ટાફે તપાસ કરી. ત્યારબાદ રૂમની અંદરથી અભિનેતાનો મૃતદેહ મળ્યો. આ સિવાય અભિનેતાના મૃત્યુ પાછળનું કારણ શું છે તે અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી. અહેવાલો અનુસાર, મૃતદેહ મળ્યા બાદ હોટેલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, તેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ આ મામલે કંઈક સ્પષ્ટ થશે.અહેવાલો અનુસાર, દિલીપ શંકર ચાર દિવસ પહેલા ટેલિવિઝન શો પંચાગ્નીના શૂટિંગ માટે તિરુવનંતપુરમના વનરોસ જંકશન પાસે એક હોટલમાં રોકાયા હતા. એર્નાકુલમમાં રહેતા લોકોએ બે દિવસથી અભિનેતાને રૂમમાંથી બહાર આવતા જોયા નહોતા.
રવિવારે સવારે રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમમાં જઇ જોયુ તો તે મૃત હાલતમાં મળી આવ્યા. આ મામલાની જાણ તરત જ પોલીસને કરાઇ, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. દિલીપ શંકર સાથે શોમાં કામ કરી રહેલા નિર્દેશક મનોજે મનોરમાને જણાવ્યું કે શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો. આ સમયગાળા દરમિયાન, દિલીપે તેના અથવા તેના કોઈપણ સહ-અભિનેતાના કૉલનો જવાબ આપ્યો ન હતો.
આ સાથે મનોજે એ પણ જણાવ્યું કે દિલીપ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. જણાવી દઇએ કે, દિલીપ શંકર મલયાલમ ફિલ્મ અને ટેલિવિઝન જગતનો જાણીતો ચહેરો હતા. તેમણે ‘અમ્મારિયાથે’, ‘સુંદરી’ અને પંચાગ્નિ જેવા હિટ ટીવી શોમાં પોતાના અભિનયથી લોકપ્રિયતા મેળવી હતી. આ સિવાય ‘નોર્થ 24’ (2013) અને ‘ચપ્પા કુરીશ’ જેવી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે.