“દીકરી જગત જનની” લગ્નોત્સવમાં યોજાયો “કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાન”નો ત્રિવેણી સંગમ, જુઓ આ અદભુત પ્રસંગની સુવર્ણ તસવીરો
સુરતમાં છેલ્લા કેટલાય વર્ષોથી પીપી સવાણી ગ્રુપ દ્વારા ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ હજારો દીકરીઓના પાલક પિતા બનીને તેમનું કન્યાદાન પણ કર્યું છે. આ વર્ષે પણ મહેશભાઈએ 300 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ તેમના આ કામને ફરીવાર વધાવી રહ્યા છે.
પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત આ વર્ષના “દીકરી જગત જનની” લગ્નોત્સવમાં 24 અને 25 ડિસેમ્બરના રોજ બે દિવસીય ભવ્ય લગ્નોત્સવનું આયોજન થયું હતું. જેમાં પ્રથમ દિવસે 150 અને બીજા દિવસે પણ 150 દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના ઘણા બધા આગેવાનોએ પણ હાજરી આપી હતી અને દંપતીને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ લગ્નોત્સવમાં હિન્દૂ, મુસ્લિમ, ઈસાઈ સહીત સર્વધર્મની પિતા વિહોણી દીકરીઓના મહેશ સવાણીના હાથે કન્યાદાન થયા હતા. ત્યારે “દીકરી જગત જનની” લગ્નોત્સવમાં એક અનોખો ત્રિવેણી સંગમ પણ જોવા મળ્યો હતો. અહીંયા “કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાન”નો ત્રિવેણી સંગમ યોજાતા આ પ્રસંગની વિશ્વ કક્ષાએ નોંધ લેવામાં આવી હતી.
આ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક લાખથી પણ વધારે લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ સર્જ્યો અને તેનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે માતા પિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટેની “વિદ્યાર્થી દત્તક યોજના”નો પણ આ લગ્નોત્સવમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ યોજના અંતર્ગત CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના 1000 જેટલા બાળકોને દત્તક લઈને તેમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. આ ઉપરાંત આ લગ્નોત્સવમાંથી આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યા.
View this post on Instagram
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે.‘ આ ઉપરાંત તેમણે “કન્યાદાન મહાદાન”ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગમાં લોકગાયિકા અલપાબેન પટેલે પણ હાજરી આપી હતી.