અમદાવાદ: ધંધુકા-બગોદરા રોડ પર ભયાનક અકસ્માત, ઘટનાસ્થળે જ ચાર-ચાર મહિલાઓના મોત- જુઓ

રાજયમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ ધંધુકા-બગોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ઘટનાને પગલે ઇકો કારના આગળના ભાગનો કૂરચો થઇ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલ ચાર મહિલાઓના મોત નિપજ્યા હતા, જયારે બે વ્યક્તિને  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલ હરિપુરા પાટિયા પાસે સોમવારના રોજ સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર રોડ પર ઊભેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી, આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઇકો કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી અને તે આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં ફસાયેલ 2 વ્યક્તિઓને મહામહેનતે બહાર કાઢ્યા હતા. પોલિસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે, ત્યારે ધંધુકા પોલિસે પરિવારને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે.

વહેલી સવારે બનેલ ઘટનાને પગલે લોકો એક્ઠા થઇ ગયા હતા અને 108ને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ધંધુકા-બગોદરા રોડ પર એક બસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં  35થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી.

Shah Jina