બોલીવુડની અંદર ઘણા ગુજરાતી કલાકારોએ એક આગવું નામ બનાવ્યું છે. એવા જ એક બોલીવુડના દિગ્ગજ કલાકાર છે પરેશ રાવલ. જેમને બોલીવુડની ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે અને આજે માત્ર ભારતમાં જ નહિ પરંતુ દેશ વિદેશોમાં પણ પોતાનું આગવું નામ કર્યું છે. પરેશ રાવલ રંગમંચના પણ એક ઉમદા કલાકાર છે. ત્યારે હવે 40 વર્ષોના લાંબા અંતરાલ બાદ પરેશ રાવલ ગુજરાતી ફિલ્મમાં નજર આવવાના છે, જેનું ટ્રેલર પણ હાલમાં રિલીઝ થઇ ચૂક્યું છે.
પરેશ રાવલ 4 માર્ચના રોજ થિયેટરમાં પ્રસારિત થનારી ફિલ્મ “ડિયર ફાધર”માં જોવા મળવાના છે. આ ફિલ્મની અંદર તેમનો ડબલ રોલ છે. આ આખી જ ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. સાથે જ આ ફિલ્મની અંદર પરેશ રાવલની શાનદાર કોમેડીનો તડકો પણ જોવા મળી રહ્યો છે. પરેશ રાવલ સાથે આ ફિલ્મની અંદર અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા ચેતન ધાનાણી પણ જોવા મળવાના છે. અભિનેત્રી માનસી પારેખ હાલમાં જ આવેલી ફિલ્મ “ગોળકેરી”માં પણ જોવા મળ્યા હતા. જેમાં તેમના અભિનયને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો.
ટ્રેલર જોઈને ખબર પડે છે કે પરેશ રાવલ એક એવા પિતા છે જે પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે તે સમયસર ઘરે નથી આવતી ત્યારે તે ચિંતિત થઈ જાય છે અને બધાને ફોન કરે છે. તેમની આ આદતથી તેમની દીકરી પરેશાન છે. એક દિવસ પરેશ રાવલ મોતને ભેટે છે. જે બાદ આ મર્ડર મિસ્ટ્રીની તપાસ કરતા પોલીસ ઓફિસર પણ પરેશ રાવલ છે. તે એક કડક પોલીસના રોલમાં જોવા મળશે.
પરેશ રાવલ છેલ્લે ગુજરાતી ફિલ્મ “નસીબ”માં જોવા મળ્યા હતા. જે વર્ષ 1982માં રિલીઝ થઇ હતી, ત્યારે હવે ફરી એકવાર પોતાના ગુજરાતના ગુજરાતી દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે અભિનેતા પરેશ રાવલ “ડિયર ફાધર” ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મ પરેશ રાવલના નાટક “ડિયર ફાધર”નું જ વર્ઝન છે, જેની વાર્તા ખુબ જ રહસ્યમય છે.
આ ફિલ્મને લઈને દર્શકો પણ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. પરેશ રાવલને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતા જોયાને 40 વર્ષનો સમય વીતી ગયો છે. જેના બાદ હવે ફરી એકવાર તેમના ગુજરાતી ચાહકો આ ફિલ્મને લઈને ખુબ જ આતુર છે. પરેશ રાવલ પોતે પણ જણાવે છે કે “ડિયર ફાધર” જે નાટક છે તે તેમના દિલની એકદમ નજીક છે.”
View this post on Instagram
મીડિયા સાથે વાત કરતા પરેશ રાવલે જણાવ્યું હતું કે, “હું વર્ષોથી ઈચ્છતો હતો કે આ નાટક પર ફિલ્મ બને. મેં ઘણાં નાટકો કર્યા છે અને કરવાનું ચાલુ રાખ્યું છે અને ફિલ્મમાં તેમની સ્ક્રિપ્ટો પણ અમલમાં મૂકી છે. હું ઇચ્છતો હતો કે આ નાટકની વાર્તા શક્ય તેટલા વધુ લોકો અને સમાજ સુધી પહોંચે અને હું મારી માતૃભાષામાં હોય તેવી અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ ફિલ્મ વાર્તાનો ભાગ બનવા માંગતો હતો. આ ફિલ્મ દ્વારા મને 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં પુનરાગમન કરવાનો મોકો મળ્યો તે બદલ હું ખૂબ જ ખુશ છું.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરેશ રાવલ હાલમાં જ “હંગામા 2”, “હમ દો હમારે દો”માં લોકોને પેટ પકડીને હસાવતા જોવા મળ્યા હતા. શિલ્પા શેટ્ટી, મીઝાન જાફરી અને પ્રણિતા સુભાસે “હંગામા 2″માં તેમની સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ઉપરાંત રાજકુમાર રાવ, કૃતિ સેનન, રત્ના પાઠક પરેશ રાવલ સાથે “હમ દો હમારી દો”માં જોવા મળ્યા હતા.