પારસી રીતિ રિવાજો સાથે થયા સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર, અંબાણી સહિત આ દિગ્ગજ થયા સામેલ

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. મિસ્ત્રીના અંતિમ સંસ્કાર વરલી, મધ્ય મુંબઈના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાનારાયણ સિંધિયા, HDFCના અધ્યક્ષ દીપક પારેખ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

આ સિવાય એનસીપી નેતા સુપ્રિયા સુલે, ઉદ્યોગપતિ રોની સ્ક્રુવાલા અને વરિષ્ઠ વકીલ આબાદ પોંડા પણ હાજર હતા. સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં પારસી સમુદાયના સભ્યો, ઉદ્યોગપતિઓ અને નેતાઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે સાયરસ મિસ્ત્રીના મોટા ભાઈ શાપૂર મિસ્ત્રી, વરિષ્ઠ વકીલ ઈકબાલ ચાગલા, અનિલ અંબાણી અને અજીત ગુલાબચંદ પણ હાજર હતા. મિસ્ત્રીના પાર્થિવ દેહને જેજે હોસ્પિટલથી સફેદ ફૂલોથી શણગારેલા વાહનમાં લાવવામાં આવ્યો હતો

અને આજે વરલી સ્મશાનગૃહમાં રાખવામાં આવ્યો હતો, જેથી તેમના મિત્રો અને સંબંધીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. જણાવી દઇએ કે, મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા સન્સના ચેરમેન હતા. મિસ્ત્રી સાથે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા જહાંગીર પંડોલેના અંતિમ સંસ્કાર સાંજે મલબાર હિલના ડોંગરવાડી ટાવર ઓફ સાયલન્સ ખાતે પરંપરાગત પારસી રીતિરિવાજ સાથે કરવામાં આવશે. રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માત થયો ત્યારે મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ જીએલસીમાં મુસાફરી કરી રહ્યા હતા.

મર્સિડીઝના એક અધિકારીએ સોમવારે કારની તપાસ કરી અને કહ્યું કે તે કારની તમામ વિગતો તેના જર્મની હેડક્વાર્ટરને મોકલશે. કારની સ્પીડ કેટલી હતી તે જાણવા માટે ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.મીડિયા અહેવાલો અનુસાર, સાયરસ મિસ્ત્રીના માથામાં ઘણી ઇજાઓ પહોંચી હતી અને શરીરની ડાબી બાજુએ પણ ગંભીર ઇજાઓ થઇ હતી.પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર, ડો.અનાહિતા પંડોલે તેજ ગતિએ વાહન ચલાવી રહી હતી.

તેણે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પતિ તેમજ જેએમ ફાઇનાન્શિયલના સીઇઓ ડેરિયસ પંડોલે તેની બાજુમાં બેઠેલા હતા. જહાંગીર પંડોલે સાયરસ મિસ્ત્રી સાથે કારની પાછળની સીટ પર બેઠા હતા. અથડામણને કારણે આગળની સીટની એરબેગ્સ ખુલી ગઈ હતી પરંતુ પાછળની એરબેગ્સ યોગ્ય સમયે ખુલી નહિ અને તેને કારણે સાયરસ મિસ્ત્રી બચી શક્યા નહિ.

Shah Jina