સિંધુભવનની ફેમસ રેસ્ટોરન્ટમાં એક પરિવારને થયો કડવો અનુભવ…પિત્ઝા, બર્ગર અને પાસ્તા બાદ હવે વેજીટેબલ કુલચામાંથી નીકળ્યો વંદો

જમવામાંથી ફરી એકવાર નીકળ્યો વંદો, અમદાવાદ સિંધુભવનની રેસ્ટોરન્ટમાં ગ્રાહકને આપેલા કુલચામાંથી નીકળ્યો વંદો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી છેલ્લા થોડા સમયમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હાલમાં ફરી એકવાર અમદાવાદમાંથી જ આવી ઘટના સામે આવી છે. પિત્ઝા, બર્ગર અને પાસ્તા બાદ હવે વેજીટેબલ કુલચામાંથી પણ વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યુ છે.

વેજીટેબલ કુલચામાંથી નીકળ્યો વંદો

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન રોડ પર આવેલી જાણીતી ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ પરિવારે જે વેજીટેબલ કુલચા ખાધો તેમાંથી વંદો નીકળ્યો હતો. ત્યારે હવે તેમને ડર છે કે, આવા કુલચા ખાવાના કારણે તેમની તબીયત ખરાબ થઈ શકે છે. જો કે, આ મામલે તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ પણ કરી હતી અને તેમણે માફી માગી હતી.

ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ પરિવારને થયો કડવો અનુભવ

ચાંદલોડિયામાં રહેતા એક પરિવારની દીકરી ઓસ્ટ્રેલિયાથી આવી હોવાથી તેઓ સિંધુભવન રોડ પર આવેલી પ્રખ્યાત ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા અને આ દરમિયાન તેમણે જે ઓર્ડર કર્યો હતો તેમાં વેજીટેબલ કુલચા પણ હતા. જો કે, જ્યારે કુલચા ખાઇ રહ્યા હતા ત્યારે અચાનક જ એક પરિવારના વ્યક્તિનું ધ્યાન ગયું અને તેમાંથી અડધો મરેલો વંદો મળ્યો.

પરિવારને એવી શંકા છે કે તેનાથી અડધો ખવાઈ ગયો હશે. આ ઘટના બાદ પરિવાર ખૂબ ગભરાઈ ગયો હતો. ત્યારે વેજીટેબલ કુલચામાંથી વંદો નીકળ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરાઇ હતી.

Shah Jina