શું હાઇકોર્ટના આદેશ બાદ સરકાર લગાવી શકે છે ગુજરાતમાં લોકડાઉન ? જુઓ સીએમ રૂપાણીએ આ મુદ્દા ઉપર શું કહ્યું ?

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર વિશ્વમાં ફરી વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે સ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. ત્યારે આજે હાઇકોર્ટ દ્વારા 3-4 દિવસના કર્ફ્યુ અંગે ગુજરાત સરકારને ટકોર કરવામાં આવી હતી.


હાઇકોર્ટ દ્વારા શનિ અને રવિવારના દિવસોમાં પણ કર્ફયુ લાદવાના નિર્ણય અંગે પણ ગુજરાત સરકારને ટકોર કરી છે. ત્યારે આ બાબતે સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું ગુજરાતમાં ફરી લોકડાઉન લાગી શકે છે ?

ત્યારે આ પ્રશ્ન નો જવાબ આપતા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત હાઈકોર્ટે કરેલા નિર્દેશ મુદ્દે ચેનલો દ્વારા ખબર પડી છે. અમારા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી (Kamal Trivedi) સાથે પણ વાત થઈ છે. તેમના તરફથી રિપોર્ટ મળ્યા પછી કોર ગ્રૂપની મીટિંગમાં ચર્ચા કરીને પછી યોગ્ય નિર્ણય કરીશું. અત્યારે કંઈ કહી શકાય એમ નથી.”

આ બાબતે વધુ જણાવતા અને ગુજરાત સરકારે હાઈકોર્ટની ટકોરને ગંભીરતાથી લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે, “રાજ્ય સરકાર હાઇકોર્ટનાં અવલોકનનો અભ્યાસ કરશે અને અવલોકન તથા ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વાર નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના અવલોકન અંગે વિસ્તૃત ચર્ચા કરીને પછી નિર્ણય કરાશે.”

આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને જણાવ્યું છે કે,  “કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ”

હાલ ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે, તે છતાં પણ કોરોના હજુ કાબુમાં નથી આવી રહ્યો ત્યારે હાઇકોર્ટ દ્વારા ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

સુરતમાં પ્રવર્તમાન કોરોના સંક્ર્મણની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની…

Posted by Vijay Rupani on Tuesday, April 6, 2021

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું કે “સુરતમાં પ્રવર્તમાન કોરોના સંક્ર્મણની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.”

Niraj Patel